(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નીતિવિષયક અનિશ્ચિતતાઓ ઉપરાંત અમેરિકા-ઈરાન વચ્ચેનાં ભૂરાજકીય તણાવમાં વધારો થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની વ્યાપક માગ જળવાઈ રહેતાં હાજર ભાવમાં અનુક્રમે 1.6 ટકાનો અને 8.4 ટકાનો ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 26,859નો તોતિંગ ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનું 10 ગ્રામદીઠ રૂ. 4591 ઝળક્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે પણ વૈશ્વિક બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ રહ્યું હતું. જોકે, ગઈકાલે સ્થાનિક બજાર પ્રજાસત્તાક દિન નિમિત્તે બંધ રહી હતી.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 26,859ના ઉછાળા સાથે રૂ. 3,44,564ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂ. 4573 વધીને રૂ. 1,58,265 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 4591 વધીને રૂ. 1,58,901ની સપાટીએ રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ માત્ર રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં સાર્વત્રિક સ્તરેથી માગ શાંત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.6 ટકા વધીને આૈંસદીઠ 5092.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે ભાવ વધીને 5110.50 ડૉલરની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચ્યા હતા અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ 0.1 ટકા વધીને આૈંસદીઠ 5089 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 8.4 ટકા ઉછળીને આૈંસદીઠ 112.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ચાંદીના ભાવ વધીને આૈંસદીઠ 117.69 ડૉલર સુધી પહોંચ્યા હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને તેના વહીવટીતંત્રની નીતિવિષયક અનિશ્ચિતતાઓ અને ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની ચિંતાને કારણે સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગમાં વધારો થયો હોવાનું માર્કેટપ્લસનાં વિશ્લેષક ઝેઈન વાવદાએ જણાવતાં ઉમેર્યું હતું કે વર્ષ 2026માં અમેરિકાની નીતિવિષયક અનિશ્ચિતતા અને ભૂરાજકીય તણાવને કારણે સોનામાં સલામતી મટેની માગને ટેકે ભાવમાં 18 ટકાનો અને ચાંદીના ભાવમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે.
દરમિયાન અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે દક્ષિણ કોરિયાથી થતી ઑટો સહિતના અન્ય ગૂડ્સ પરની ટૅરિફમાં વધારો કરવાની ધમકી આપી હતી. એકંદરે હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા વર્ષ 2026માં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 6000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા ડૉઈશ બૅન્ક ઍન્ડ સોસિયેટ જનરલે વ્યક્ત કરી છે. જોકે, હાલમાં બજાર વર્તુળોની નજર આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.