જકાર્તાઃ પીવી સિંધુ અને લક્ષ્ય સેન શુક્રવારે પોતપોતાના ક્વાર્ટર ફાઇનલ મેચોમાં હાર સાથે બહાર થઈ ગયા છે. આ સાથે ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય અભિયાનનો અંત આવ્યો હતો.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ 42 મિનિટ ચાલેલી મેચમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી ચીનની ચેન યુ ફેઈ સામે 13-21, 17-21થી હારી ગઈ હતી. આ હાર સાથે આ સુપર 500 લેવલ ટુર્નામેન્ટમાં સિંધુની સફરનો અંત આવ્યો હતો.
સિંધુ હવે હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ચેન યુ ફેઈથી 6-8થી પાછળ છે. ચીની ખેલાડી સામે સિંધુની છેલ્લી જીત 2019માં થઈ હતી. મેન્સ સિંગલ્સમાં 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન થાઈલેન્ડના ખેલાડી પનિચાફોન તીરારત્સાકુલ સામે 46 મિનિટ ચાલેલી મેચમાં 18-21, 20-22થી હારી ગયો. બંને ગેમમાં શાનદાર ટક્કર આપવા છતાં લક્ષ્ય જીત મેળવવામાં નિષ્ફળ ગયો.
લક્ષ્યને હરાવતા પહેલા 21 વર્ષીય થાઈલેન્ડનો ખેલાડી મલેશિયાના પેરિસ 2024 ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લી ઝી જિયાને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જ બહાર કરી ચૂક્યો હતો. ગુરુવારે અગાઉ કિદામ્બી શ્રીકાંત અને અનમોલ ખરબ પુરુષો અને મહિલા સિંગલ્સમાં બહાર થઈ ગયા હતા.
પુરુષોના ડબલ્સમાં હરિહરન અમસકરુણન અને એમ.આર. અર્જુન પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલથી આગળ વધવામાં નિષ્ફળ ગયા હતા. મહિલા ડબલ્સમાં કોઈ ભારતીય જોડીએ ભાગ લીધો ન હતો, જ્યારે બે ભારતીય જોડી પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી.