નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બાદ ભારત મંડપમ ખાતે બિઝનેસ ફોરમને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોઈનું નામ લીધા વિના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન વિશ્વમાં વેપાર, ટેકનોલોજી અને દુર્લભ ખનીજો (Rare Earth Minerals) ને હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યા છે, જે વૈશ્વિક સ્થિરતા માટે પડકારરૂપ છે.
પીએમ મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વ્યાપાર કરારને નવા યુગનો શંખનાદ ગણાવતા કહ્યું કે, આ સમજૂતીથી કાપડ, રત્ન-ઝવેરાત, ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોને યુરોપના બજારમાં સરળતાથી પ્રવેશ મળશે. આ ઉપરાંત, આઇટી, શિક્ષણ અને પરંપરાગત દવાઓ જેવા ક્ષેત્રોમાં પણ નવી તકો ખુલશે, જેનો સીધો લાભ ભારતના ખેડૂતો, માછીમારો અને વ્યાપારી સમુદાયને મળશે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં બંને પક્ષો વચ્ચેનો વેપાર બમણો થઈને 180 બિલિયન યુરો સુધી પહોંચ્યો છે.
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ટ્રમ્પની ટેરિફ નીતિઓના સંદર્ભમાં પીએમ મોદીએ બિઝનેસ લીડર્સને આહવાન કર્યું હતું કે આપણે સાથે મળીને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને ચિપ્સ જેવા ક્ષેત્રોમાં અન્ય પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ. તેમણે ગ્રીન હાઇડ્રોજન, સોલર એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણ અને સંશોધન વધારવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ એફટીએ (FTA) એક વિશ્વસનીય અને વૈકલ્પિક સપ્લાય ચેઈન બનાવવા માટેનો ખુલ્લો સંવાદ છે.
પીએમ મોદીએ અંતમાં જણાવ્યું હતું કે આ કરાર ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધોને સમાજની ભાગીદારીમાં બદલવાની દિશામાં એક મોટું પગલું છે. ભારત અને યુરોપિયન યુનિયન વિશ્વની સૌથી પ્રભાવશાળી ભાગીદારી સ્થાપિત કરી રહ્યા છે, જે એક સક્ષમ અને ભવિષ્ય-ઉન્મુખ સાંકળનું નિર્માણ કરશે.