Tue Jan 27 2026

Logo

White Logo

ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા પિતાની ખંડણી કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ વધ્યા

1 hour ago
Author: Chandrakant Kanoja
Video

અમૃતસર : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સતત ચર્ચામાં રહેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા પિતાની 50 લાખ રૂપિયાની ખંડણીના કેસમાં 26 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. મુક્તસર પોલીસે ગેંગસ્ટર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારના પિતા શમશેર સિંહ અને માતા પ્રીતપાલ કૌરની અમૃતસરથી ધરપકડ કરી છે. આ બંનેના નામ મુક્તસરના સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં હતા. કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર હાલ  વિદેશમાં છે. 

30 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

આ આરોપીઓને 26 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. જે 27 જાન્યુઆરીએ પૂરા થયા હતા.  મંગળવારે મોડી સાંજે બંનેને સીજેએમ નીરજ કુમાર સિંગલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસને 30 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગોલ્ડી બ્રારના પિતા શમશેર સિંહ પંજાબ પોલીસમાં નિવૃત્ત એએસઆઈ છે. આ કેસમાં ગોલ્ડી બ્રારનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

50 લાખની ખંડણી માંગતો વોટ્સએપ કોલ આવ્યો

જેમાં આરોપીના વકીલ બાબુ સિંહ સિદ્ધુના જણાવ્યા અનુસાર સરકારી કર્મચારી સતનામ સિંહની ફરિયાદના આધારે 3 ડિસેમ્બર, 2024 ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીને એક વિદેશી મોબાઇલ નંબર પરથી રૂપિયા 50 લાખની ખંડણી માંગતો વોટ્સએપ કોલ આવ્યો હતો અને જો તે પૈસા ન આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

શમશેર સિંહ પર સંડોવણીનો આરોપ લગાવ્યો

લગભગ એક વર્ષ પછી  24 જાન્યુઆરી 2026ના રોજ ફરિયાદીએ શમશેર સિંહ પર સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. તેના આધારે 25 જાન્યુઆરીના રોજ પોલીસે બંનેના નામ લીધા અને અમૃતસરના દરબાર સાહિબ નજીકની એક હોટલમાંથી તેમની ધરપકડ કરી. આરોપીના વકીલનો દાવો છે કે આ કાર્યવાહી કૌટુંબિક ઝઘડાને કારણે કરવામાં આવી હતી અને તેનો ખંડણી સાથે કોઈ સંબંધ નથી.