સુરેન્દ્રનગરઃ મૂળી તાલુકાના લીમલી પા વિસ્તારમાં ભાજપના આગેવાન પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમાર નિવૃત પોલીસ કર્મચારીએ ફાયરિંગ કર્યું હતું. જે ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થતા સત્યજીતસિંહ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પણ ફાયરિંગને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
કાર પાર્કિંગ મુદ્દે થઈ હતી બોલાચાલી
મૂળી તાલુકાના લીમલી પા વિસ્તારમાં યુવા ભાજપ પ્રમુખ સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ થયું હતું. કાર પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક નિવૃત્ત પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો, જેમાં સત્યજીતસિંહ પરમારને પગમાં ઈજા થઈ હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
ઈજાગ્રસ્ત સત્યજીતસિંહ પરમારને પ્રાથમિક સારવાર માટે મૂળી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે શું કહ્યું
આ અંગે મૂળી પીઆઈ કે.બી. વિહોલે જણાવ્યું હતું કે, કાર પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ આ બનાવ બન્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો છે. એક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.