ગાંધીનગર: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને સરકારી કામગીરીમાં ગતિશીલતા લાવવાના હેતુથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એકસાથે ૧૪૫ જેટલા નાયબ મામલતદારો અને 207 મહેસૂલી તલાટીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અથવા વહીવટી જરૂરિયાત મુજબના કર્મચારીઓને અલગ-અલગ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર ફાળવવામાં આવ્યા છે, જેનાથી મહેસૂલી તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ આદેશ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે વડોદરા, રાજકોટ, આણંદ અને સાબરકાંઠા સહિત તમામ જિલ્લામાં મોટાપાયે ફેરફારો જોવા મળ્યા છે. મુખ્ય નામોની વાત કરીએ તો, આરતીબેન ગોહિલને જૂનાગઢ, અલ્પેશકુમાર રાવલને વડોદરા અને દીપકભાઈ શ્રીગોરને રાજકોટ ખાતે મૂકવામાં આવ્યા છે.
વડોદરામાં અલ્પેશકુમાર રાવલ ઉપરાંત ફાલ્ગુની રાજપરા અને વિકાસ વાઘેલા જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ નોંધપાત્ર બદલીઓ કરવામાં આવી છે.
સરકાર દ્વારા કરવામાં આવેલી આ બદલીઓમાં ભૌગોલિક સંતુલન અને વહીવટી કાર્યદક્ષતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારી, સુરેન્દ્રનગર અને મહેસાણા જેવા જિલ્લાઓમાં પણ નવા નાયબ મામલતદારોની નિમણૂક થઈ છે. મહેન્દ્રસિંહ ચૌહાણ અને રાજેશભાઈ વાણીયાને સુરેન્દ્રનગર ખાતે જવાબદારી સોંપાઈ છે, જ્યારે જયદીપકુમાર પટેલને મહેસાણા ખાતે બદલી આપવામાં આવી છે.