તિરુવનંતપુરમ : કેરળના સીએમ પિનરાઈ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પીએમ મોદીએ આજે તિરુવનંતપુરમમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે સીએમ પિનરાઈ વિજયને પીએમ મોદીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, આ કેરળના વિકાસ માટે એક મોટો દિવસ છે. પીએમ મોદીએ આજે અનેક પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે જે રાજ્યના વિકાસમાં મદદરૂપ થશે.
એક લાખ લાભાર્થીઓને ફાયદો થશે
આ ઉપરાંત કેરળના સીએમ વિજયને વધુમાં જણાવ્યું હતું કે, "આમાં CSIR-NIIST ઇનોવેશન હબ માટે શિલાન્યાસ, પૂજાપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગનું ઉદ્ઘાટન અને પીએમ સ્વનિધી યોજનાનો શુભારંભ શામેલ છે. જેનાથી એક લાખ લાભાર્થીઓને ફાયદો થશે. લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ અને લોનની રકમના ચેક સોંપવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ કેરળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે." વિજયને વડાપ્રધાનનો આભાર માન્યો અને કહ્યું કે અમે લાંબા સમયથી કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રોજેક્ટ્સ માટે મંજૂરી માંગી રહ્યા હતા.
અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ પણ સમયસર પૂર્ણ થવાની આશા
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, મને આશા છે કે કેરળની અન્ય મહત્વપૂર્ણ માંગણીઓ પણ સમયસર પૂર્ણ થશે અને વડાપ્રધાન સુનિશ્ચિત કરશે કે તે નિર્ધારિત સમયમાં લાગુ કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી હતી.જેમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન - નાગરકોઇલ-મેંગલુરુ અમૃત ભારત એક્સપ્રેસ, તિરુવનંતપુરમ-તાંબરમ અમૃત ભારત એક્સપ્રેસ અને તિરુવનંતપુરમ-ચારલાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ સાથે, ત્રિસુર-ગુરુવાયુર પેસેન્જર ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનો કેરળને તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે જોડાશે.