Tue Jan 27 2026

Logo

White Logo

હલવા સેરેમની સાથે કેન્દ્રીય બજેટ પ્રક્રિયા અંતિમ તબકકામાં, નોર્થ બ્લોકમાં લોક થયા અધિકારીઓ

3 hours from now
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ 2026 ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં 'હલવા સેરેમની સાથે બજેટના અંતિમ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણે નોર્થ બ્લોકમાં બજેટ પ્રેસમાં એક કડાઈમાં તૈયાર કરેલો હલવો પીરસીને   પરંપરાનું પાલન કર્યું. તેમની સાથે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

બજેટ તૈયારીમાં સામેલ અધિકારીઓ માટે લોક-ઇન પીરિયડની શરુઆત 

બજેટ પ્રક્રિયામાં હલવા સેરેમનીનું  વિશેષ મહત્વ છે. હલવા સેરેમની બજેટ તૈયારીમાં સામેલ અધિકારીઓ માટે લોક-ઇન પીરિયડની શરૂઆત દર્શાવે છે. આનો અર્થ એ છે કે બજેટ દસ્તાવેજોની ગુપ્તતા જાળવવા માટે, સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી આ અધિકારીઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે દુર રહેશે. આ  સમારોહ દરમિયાન નાણામંત્રીએ બજેટ પ્રેસની મુલાકાત લીધી તૈયારીઓની સમીક્ષા કરી અને સમગ્ર બજેટ ટીમને શુભેચ્છા પાઠવી હતી

હલવા સેરેમની કેમ યોજવામાં આવે છે ? 

જો આપણે વાત કરીએ કે, બજેટ રજૂ કરતાં પહેલાં કરવામાં આવતી હલવા સેરેમની જ કેમ કરવામાં આવે છે એ વિશે વાત કરીએ તો ભારતમાં આમ તો ઘણી મીઠાઈ છે પણ આ તમામ મીઠાઈઓમાં હલવો જ સૌથી વધુ લોકપ્રિય છે અને તે દરેક વ્યક્તિને લોકોને ખૂબ જ પસંદ છે. આ સિવાય હલવો બનાવવાનું પણ ખૂબ જ સરળ છે. આ સેરેમની એ મંત્રાલયના કર્મચારીઓની મહિનાઓની મહેનતની ઉજવણીનો એક ભાગ પણ છે.

સ્ટાફના લોકો પોતાના પરિવાર સાથે વાત કરી શકતા નથી 

હલવા સેરેમની પૂર્ણ થયા બાદ, બજેટ નિર્માણ સાથે જોડાયેલા આશરે 100 જેટલા અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફને નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં જ રોકાઈ જવું પડે છે. બજેટની વિગતો લીક ન થાય તે માટે આ અધિકારીઓ 10 દિવસ સુધી બહારની દુનિયાથી કટ ઓફ થઈ જાય છે. આ અધિકારીઓ અને સ્ટાફના લોકો પોતાના પરિવાર સાથે વાત કરી શકતા નથી કે ન તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકે છે. એકદમ ઈમર્જન્સીમાં જ વિશેષ મંજૂરી મળ્યા બાદ તેમનો સંપર્ક થઈ શકે છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ આ સમયગાળા દરમિયાન કડક દેખરેખ રાખે છે.

કેન્દ્રિય બજેટ  ડિજિટલ થયું

જોકે, 2021થી તો નાણાં મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવતું કેન્દ્રિય બજેટ પેપરલેસ એટલે કે ડિજિટલ થયું છે. પહેલાંની જેમ હવે બજેટની હજારો નકલો છાપવાની જરૂર પડતી નથી. સમય બદલાયા છતાં પણ સરકારે આ હલવા સેરેમનીની પરંપરાને જાળવી રાખી છે. હવે અધિકારીઓ પ્રિન્ટિંગ પ્રેસમાં ફિઝિકલ કોપી છાપવાને બદલે ડિજિટલ ડેટા અપલોડ કરવાની પ્રક્રિયા પર દેખરેખ રાખે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં મેડ ઇન ઇન્ડિયા ટેબ્લેટ પર જ બજેટ વાંચે છે.