મુંબઈ: બોલીવૂડની અભિનેત્રીઓ પર ઘણીવાર બોટોક્સ અને ફિલર્સના ઉપયોગના આરોપો લાગતા હોય છે. બોલિવૂડમાં પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરીના વધતા ચલણ વચ્ચે જાણીતા ફિલ્મ નિર્માતા ફરાહ ખાને એક મોટું નિવેદન આપીને ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા જગાવી છે. ફરાહે તેના તાજેતરના વ્લોગમાં સ્વીકાર્યું છે કે, બોલિવૂડમાં હવે ભાગ્યે જ કોઈ 'નેચરલ બ્યુટી' બચ્યું છે.
બોલીવૂડમાં નેચરલ બ્યુટી કોણ છે?
છેલ્લા કેટલાક સમયથી ફરાહ ખાન વ્લોગ બનાવવામાં સક્રિય થઈ છે. દોઢ વર્ષથી શરૂ કરેલા તેના વ્લોગ્સમાં જેકી શ્રોફથી લઈને શિલ્પા શેટ્ટી સુધીના અનેક સ્ટાર્સ દેખાઈ ચૂક્યા છે. તેના રસોઈયા દિલીપ સાથેની તેની નોક-ઝોક દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. તાજેતરમાં ફરાહ ખાન તેના વ્લોગમાં એક સ્કિનકેર પ્રોડક્ટનું પ્રમોશન કરી રહી હતી. આ દરમિયાન તેના રસોઈયા દિલીપે ફરાહની ચમકતી ત્વચાના વખાણ કર્યા, ત્યારે ફરાહે હસતા હસતા એક ચોંકાવનારી વાત કહી હતી.
ફરાહ ખાને કહ્યું કે, "દિલીપને ભલે એવું લાગે કે હું નેચરલ બ્યુટી છું, પરંતુ સત્ય એ છે કે ઐશ્વર્યા રાય સિવાય બોલિવૂડમાં હવે ભાગ્યે જ કોઈ નેચરલ બ્યુટી છે." આમ, ફરાહ ખાને પોતાના વ્લોગમાં ઐશ્વર્યા રાય બચ્ચનના વખાણ કરતા અન્ય ટોચની અભિનેત્રીઓ પર પરોક્ષ રીતે કટાક્ષ કર્યો છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે જંગ
ફરાહના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ફાટી નીકળી છે. ઐશ્વર્યાના ફેન્સ તેને વિશ્વની સૌથી સુંદર સ્ત્રી ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓના નામ લઈને ફરાહના નિવેદન સામે સવાલ ઉઠાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 1994માં મિસ વર્લ્ડનો તાજ જીતનાર ઐશ્વર્યા રાયે તેની કારકિર્દીમાં 'દેવદાસ', 'હમ દિલ દે ચૂકે સનમ' અને 'જોધા અકબર' જેવી અનેક યાદગાર ફિલ્મો આપી છે. છેલ્લે તે 2023માં 'પોનીયિન સેલ્વન: 2' માં જોવા મળી હતી.