બોલીવૂડમાં બે એક્ટ્રેસ વચ્ચે કેટફાઈટ તો ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ હાલમાં બોલીવૂડમાં એક એવી ફાઈટની ચર્ચા થઈ રહી છે જેના વિશે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક સમયના ગાઢ મિત્રો ગણાતા બોલીવૂડ એક્ટ્રસ સારા અલી ખાન અને ઓરીની મિત્રતા હવે દુશ્મનીમાં પરિણમી છે. ચાલો જાણીએ આખરે એવું તે શું થયું છે કે બે મિત્રો હવે શત્રુ બની ગયા છે...
બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને ઈન્ટરનેટ સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ બંને કોલેજથી સારા મિત્રો છે. પરંતુ હવે સારા અને ઓરીની મિત્રતામાં ભંગાણ પડ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. સારા અને ઓરી વચ્ચેના વિવાદે એ સમયે જોર પકડ્યું જ્યારે ઓરીએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી જેમાં સીધી રીતે સારા અલી ખાનના પરિવાર પર નિશાન સાધવામાં આવ્યું હતું.
વાત જાણે એમ છે કે ઓરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર એક વીડિયો શેર કર્યો હતો જેની કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે 3 સૌથી ખરાબ નામ. આ વીડિયોમાં તેણે 'સારા', 'અમૃતા' અને 'પલક' નામનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેણે કોઈની અટકનો ઉલ્લેખ કર્યો નહોતો. પણ નેટિઝન્સે તરત જ એવી અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું કે આ ઈશારો સારા અલી ખાન, તેની માતા અમૃતા સિંહ અને અભિનેત્રી પલક તિવારી તરફ હતો. આ વીડિયો વાઈરલ થતાં જ વિવાદ વધ્યો અને ઓરીએ તેને ડિલીટ કરી દીધો.
આ વીડિયો સામે આવ્યા બાદ તરત જ સારા અલી ખાન અને તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાને ઓરીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હતો. જોકે, ઓરીએ આ બાબતે દાવો કર્યો હતો કે તેણે સારા અને ઇબ્રાહિમને ઘણા સમય પહેલાં જ અનફોલો કરી દીધા હતા. હવે ઓરીના આ દાવા બાદ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ઓરી અને સારા વચ્ચે લાંબા સમયથી કોઈક ખટપટ ચાલી રહી છે.
આ વિવાદ ત્યારે વધારે વકર્યો જ્યારે ઓરીએ એક યુઝરના સવાલનો જવાબ આપતાં સારા અલી ખાનની ફિલ્મી કરિયર પર કટાક્ષ કર્યો અને એટલું જ નહીં પણ સારાની માતા અને બોલીવૂડ એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે જોડાયેલી જૂની કમેન્ટ્સ પણ ફરી સામે આવી, જેને લોકોએ અપમાનજનક ગણાવી છે. ઓરીના આ પ્રકારના વર્તનને કારણે સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
સારા અલી ખાને આ આખા વિવાદ પર કોઈ પણ ટિપ્પણી કરવાને બદલે મૌન સેવવાનું વધારે પસંદ કર્યું છે. જોકે, સારા અલી ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે આઝાદીથી જીવવા અને બિનજરૂરી ઝઘડાંઓથી દૂર રહેવાની વાત કરી હતી. ફેન્સ તેને સારાનો એક ગ્રેસફુલ જવાબ માની રહ્યા છે.