એક ગદ્દાર ગયો તેની સામે ચાર નિષ્ઠાવાન મારી સાથે છે: સત્તા આજે છે કાલે નથી, શિવસેના ફરી ઊભી કરશું: ભાજપ મરાઠી માણુસનો સાથ નહીં પણ ઈવીએમનો સાથ લઈને જીતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગદ્દારોનો સાથ લઈને અને ઈવીએમની મદદથી જીતનારા જો એવું માનતા હોય કે શિવસેનાના હાથમાંથી મુંબઈ મહાનગરપાલિકા જતી રહી. હાથમાંથી સત્તા જતી રહી અને શિવસેના મરી ગઈ છે તો એ તેમની મોટી ભૂલ છે. સત્તા આજે છે કાલે નથી. મરાઠી માણુસ માટે કેવી રીતે લડવાનું છે તે અમારા લોહીમાં છે, કોઈએ અમને શીખવાડવું નહીં. તેમને મરાઠી માણુસે નહીં પણ ઈવીએમ મશીને જીતાડયા છે. શિવસેના પક્ષ નથી પણ એક વિચાર છે તેને ભાજપ કોઈ કાળે ખતમ કરી શકશે નહીં. એક ગદ્દાર ગયો તેની સામે ચાર નિષ્ઠાવાન અમારી પાસે છે અને તેના થકી અમે ફરી ઊભા થઈશું એવી ગર્જના ઉદ્ધવ ઠાકરેએ (યુબીટી) શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના જન્મ જંયત્તિના કાર્યક્રમ ગુરુવારે કરી હતી.
શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની જન્મ જયંત્તિનો મુંબઈના ષણમુખાનંદ હોલમાં કાર્યક્રમ ગુરુવારે યોજાયો હતો, જેમાં ઉદ્ધવ ઠાકરે આક્રમકતા સાથે ભાજપની ટીકા કરી હતી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૫ બેઠકો જીતાડવા બદલ મુંબઈગરાનો આભાર માનતા તેમણે ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે ઠીક છે એક ચૂંટણીમાં આપણા મન જેવું નથી થયું. એવું તો રાજકરણમાં ચાલ્યા કરે પણ તેઓ જો એવું માનતા હોય કે શિવસેનાના હાથમાંથી પાલિકા જઈ રહી એટલે શિવસેના ખતમ થઈ જશે પણ નહીં એમનું સપનું કોઈ દિવસ સાચું નહીં પડે. ગદ્દારોનો સાથ લઈને, ઈવીએમ મશીન અને બોગસ મતદારોની મદદથી જીતનારાઓએ લડવાનું કેવી રીતે છે તે અમને નહીં શીખવાડે. અમારા લોહીમાં જ લડવાનું છે. સત્તા છે આજે કાલે નથી.
મરાઠી માણુસ અમારી સાથે જ રહ્યો છે અને હંમેશા અમારી સાથે જ રહેશે. તેઓ કેવી રીતે જીત્યા તે પૂરા મહારાષ્ટ્રને ખબર છે. અનેક જગ્યાએ ઈવીએમ મશીન જ બગડી ગયા હતા. મતદારોને તેઓ મતદાન કોને કરીએ છે તે ખબર જ નહોતી પડી. મશીન વાપર્યા તેમાં ગડબડ કરી તો તમે આને લોકશાહી કેવી રીતે ગણવો છો એવો સવાલ પણ તેમણે કર્યો હતો. મતદાન કેન્દ્રમાં ગડબડ કરી? જો અમે સમયસર મતદાર યાદીમાં ડબલ નામ શોધયા નહીં હોય તો મુંબઈનું રીઝલ્ટ હજી ખરાબ આવ્યું હોત એવું કહી ઉદ્ધવે ભાજપ પર ઈવીએમ મશીનમાં ગડબડ કરીને ચૂંટણી જીતી હોવાનો ચોખ્ખા શબ્દોમાં આરોપ કર્યો હતો.
ઉદ્ધવે આડકરી રીતે એકનાથ શિંદેએ કરેલા બળવા અને પક્ષમાં કરેલા ભંગાણની ટીકા કરતા કહ્યું હતું કે અમુક લોકોને બધું આપ્યું તો પણ તેમને બળવાખોરી કરી પણ ગયા તો સારું જ થયું. જેમ પાનખર આવે છે અને ઝાડ પર નવા પત્તા હવે આવે છે. તેમ હવે શિવસેના પણ નવેસરથી ફરી ઊભી થશે. અમુક સમયે આવું થવું જરૂરી પણ હોય છે. સડેલા પાન ખરે નહીં ત્યાં સુધી નવા આવતા નથી. જે સડયા હતા તે જ ગયા. જો કોઈ તેને પોતાના ઝાડમાં લગાવી સુંદર સમજતા હોય તો જવા દો. તેમનામાં જીવ નથી. તેમને ફેવીકોલ લગાવીને સારું માનવા દો. એક ગદ્દાર ગયો તેની સામે મારા ચાર નિષ્ઠાવાન શિવસૈનિકો છે. શિવસેનાને નવેસરથી ફરી બેઠી કરવી છે, જેમાં મારા તમામ નિષ્ઠવાન મારી સાથે છે કહીને તેમણે પોતાના શિવસૈનિકોને પોરસ ચઢાવ્યો હતો.
તેઓ માનતા હોય કે તેઓ આ રીતે શિવસેના ખતમ કરી દેશે તો જાણી લે કે શિવસેના એક રાજકીય પક્ષ નથી પણ સેના એક વિચાર છે. એક મશાલ છે. જે લોકોના મનમાં પેટેલી છે. શિવસેનાએ મરાઠી માણસ માટે શું કર્યુ એ પુછનારે પહેલા પોતે શું કર્યું તેનો પણ વિચાર કરે. અમને ખતમ કરવાના સપના જોનારે પોતાની જાતને એવો સવાલ પણ કરવો જોઈએ કે શિવસેના નહી હોત તો તેમને પાલિકા, મંત્રાલય કોણ લઈ ગયું હોત?