રવિ રાજા, વિનોદ મિશ્રા અને શુભા રાઉલ જેવા નેતાઓ સામે સત્તામાં વાપસીનો પડકાર; ભાજપ-શિવસેનાની ગણતરીઓ તેજ
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલાક દિગ્ગજ નેતાઓની હાર છે. આમાં ટિકિટ ન મળવાને કારણે અન્ય પક્ષોમાંથી ભાજપ-શિવસેનામાં ગયેલા સૌથી વધુ ભૂતપૂર્વ કોર્પોરેટરનો સમાવેશ થાય છે. જેમણે પક્ષપલટો કર્યો, છતાં ટિકિટ પણ ન મળી, તેવા ભૂતપૂર્વ કોર્પોરેટરોની યાદી પણ ઘણી મોટી છે. હવે તેમને ફરી સત્તામાં ગોઠવવાનો પ્રશ્ન ભાજપ અને શિવસેના સામે ઉભો છે. મુંબઈ મહાનગરપાલિકામાં સ્વીકૃત કોર્પોરેટરોની સંખ્યા દસ સુધીની હોવાથી, શું સ્વીકૃત કોર્પોરેટરનું પદ આપીને તેમાંથી કેટલાકનું પુનર્વસન કરવામાં આવશે, તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા, ભૂતપૂર્વ વિપક્ષી નેતા રવિ રાજા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને મુંબઈ ઉપપ્રમુખ પદ આપ્યું હતું. છેલ્લા પાંચ ટર્મથી મુંબઈ મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહેલા રવિ રાજા કોંગ્રેસ વતી શિવ કોલીવાડા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા.
જોકે, આ વર્ષની ચૂંટણી માટેના વોર્ડ રિઝર્વેશન ડ્રોમાં તેમનો વોર્ડ ૧૭૬ ઓબીસી મહિલાઓ માટે અનામત હતો. તેથી, ભાજપે તેમને ધારાવીના વોર્ડ નંબર ૧૮૫માંથી ઉમેદવારી આપી હતી. જોકે, શિવસેના (યુબીટી) પાર્ટીના જગદીશ થિવલપ્પી દ્વારા તેમનો પરાજય થયો હતો. હવે તેમના પુનર્વસનનો પ્રશ્ન ઉભો થયો છે.
ભાજપના વિનોદ મિશ્રાનું પણ આવું જ થયું. વિનોદ મિશ્રા વોર્ડ ૪૩માંથી એનસીપી ના અજિત રાવરાણે સામે બીજી વખત હારી ગયા. મિશ્રા તે વિસ્તારમાં સક્રિય ભાજપ કોર્પોરેટર હતા. જોકે, તેમની હાર બાદ, તેમને મહાનગરપાલિકામાં મંજૂર કોર્પોરેટર પદ આપીને તેમના પુનર્વસનના પ્રયાસો કરવામાં આવશે.
મુંબઈના પૂર્વ મેયર શુભા રાઉલ શિવસેનામાં હતા. થોડા સમય પહેલા તેમણે શિવસેનાને અલવિદા કહીને મનસેમાં જોડાયા હતા, પરંતુ માત્ર ત્રણ મહિનામાં જ તેઓ પરત શિવસેનામાં જોડાઈ ગયા હતા. તાજેતરમાં મહાનગરપાલિકાની ચૂંટણી સભયે તેઓ ફરી ઠાકરે જૂથને રામ-રામ કહીને ભાજપમાં જોડાયા હતા. હવે રાઉલના પુનર્વસનનો પ્રશ્ન પણ જટિલ બન્યો છે.
શિવસેના (યુબીટી) દ્વારા ટિકિટ નકારવામાં આવ્યા બાદ એક સમયે શિવસેનામાં જોડાયેલા અનિલ કોકિલને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. વોર્ડ નંબર ૨૦૪ માં, તેમને મુંબઈચા રાજા ગણેશોત્સવ મંડળના પ્રમુખ અને શિવસેના (યુબીટી)ના ઉમેદવાર કિરણ તાવડે દ્વારા હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી, શિવસેના સ્વીકૃત કોર્પોરેટર તરીકે તેમના પુનર્વસન પર પણ વિચાર કરી શકે છે.
નાના અંબોલે, જે પહેલા શિવસેનામાં હતા અને બાદમાં ભાજપમાં અને ફરીથી શિવસેનામાં જોડાયા હતા, તેમને શિવરી વોર્ડ નંબર ૨૦૬માં શિવસેના (યુબીટી)ના ઉમેદવાર સચિન પડવાલ દ્વારા હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેમના પુનર્વસનનો પણ પ્રશ્ન છે. દાદર-માહિમની લડત પર અનેક લોકોની નજર હતી.
વોર્ડ નંબર ૧૯૨માંથી મનસે તરફથી યશવંત કિલ્લેદાર મેદાનમાં હતા. તેમની સામે શિવસેના (યુબીટી) છોડીને શિવસેનામાં ગયેલા પૂર્વ કોર્પોરેટર પ્રકાશ પાટણકરે પત્ની પ્રીતિ પાટણકરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, પાટણકરનો પરાજય થયો છે. હવે શું શિવસેના દ્વારા પાટણકરનું પુનર્વસન કરવામાં આવશે, તે તરફ સૌની નજર મંડાયેલી છે.
છેલ્લી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન, સ્વીકૃત કોર્પોરેટરોની સંખ્યા પાંચ હતી. તાજેતરમાં આ સંખ્યા વધારીને દસ કરવામાં આવી છે. ગયા વખતે શિવસેના પાસે ૮૪ બેઠકો હતી અને તેને બે સ્વીકૃત કોર્પોરેટર મળ્યા હતા, ભાજપ પાસે ૮૨ બેઠક હતી અને તેને બે મળી હતી અને કોંગ્રેસ પાસે એક સ્વીકૃત કોર્પોરેટર હતો. આ વર્ષે સ્વીકૃત કોર્પોરેટરની સંખ્યામાં વધારો થયો છે. ભાજપ પાસે વધુ ઉમેદવારો હોવાથી તેને વધુ સ્વીકૃત સભ્યો મળશે.