બે વર્ષના બાળક સહિત સાત જખમી, બેની હાલત ગંભીર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં મંગળવારે એલપીજી ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં બે વર્ષના બાળક સહિત સાત લોકો જખમી થયા હતા, જેમાં બે મહિલાની હાલત અત્યંત ગંભીર છે.
મલાડ (પશ્ર્ચિમ)માં માલવણીમાં ભારત માતા સ્કૂલ નજીક એક ચાલીમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનના પહેલા માળ પર સવારના ૯.૨૫ વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને સિલિન્ડરમાં ધડાકા બાદ ઝડપભેર આગ ફાટી નીકળી હતી.
આગ ઝડપભેર ઘરમાં રહેલા સામાનમાં ફેલાઈ ગઈ હતી અને એ સમયે ઘરમાં હાજર રહેલા સાત લોકો આગને કારણે દાઝી ગયા હતા. આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક લોકો દોડી ગયા હતા અને આગ બુઝાવવાના પ્રયાસ કર્યા હતા. તેમ જ જખમી થયેલા લોકોને નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં તેમને પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જખમીમાં ૩૫ વર્ષની રોમા અને ૧૮ વર્ષની અલિશા ૩૫ ટકા દાઝી ગયા છે અને તેમની હાલત ક્રિટીકલ છે. તો ૬૦ વર્ષના ઝુલેખાબાનો અંસારી પંચાવનથી સાઈઠ ટકા દાઝી ગયા છે અને બે વર્ષનો બાળક અદિલ શેખ ૨૦ ટકા દાઝી ગયો છે. બંનેને બાદમાં કુપર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.