Tue Jan 27 2026

Logo

White Logo

બોલો અહીં લોકો નદીની રેતીમાંથી સોનું શોધે છે અને ઘરે લઈ જાય છે, જાણી લો તમામ વિગતો એક ક્લિક પર...

6 days ago
Author: Dashana Visaria
Video

ધારો કે જો તમને કોઈ કહે કે દુનિયામાં એવી કોઈ જગ્યા છે જ્યાં તમે માટીમાંથી સોનું શોધી શકો છો અને એને તમારી સાથે લઈ પણ જઈ શકો છો તો માનવામાં આવે ખરું? માનવામાં ના આવે પણ આ એક હકીકત છે. આજે અમે તમને અહીં આવી જ એક અનોખી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, પરંતુ એના માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જવી પડશે. 

એક તરફ દુનિયાભરમાં જ્યાં સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને તે સામાન્ય લોકોની પહોંચની બહાર જઈ રહ્યું છે, ત્યારે ભારતના પડોશી ચીનનું એક શહેર ગોલ્ડ રશ (Gold Rush)ને કારણે વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં લોકો મોંઘા શોરૂમમાં જવાને બદલે નદી કિનારે રેતી છાણીને સોનું શોધતા જોવા મળે છે. આ અનોખી પ્રવૃત્તિ હવે એક મોટા પ્રવાસન આકર્ષણમાં ફેરવાઈ ગઈ છે. 

સોનાની વધતી કિંમતો વચ્ચે ભારતના પડોશી દેશ કહેવાતા ચીનના શેડોંગ પ્રાંતમાં આવેલું ચાઓયુઆન (Zhaoyuan) શહેર હાલમાં આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે અને આવું હોય પણ કેમ નહીં, કારણ છે જ એટલું અનોખું. ચાઓયુઆન શહેરને ચીનની ગોલ્ડ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સોનું શોધવું એ માત્ર ઉદ્યોગ નથી, પરંતુ પર્યટકો માટે પોતાનું નસીબ અજમાવવાનો એક રોમાંચક અનુભવ બની ગયો છે.

હકીકતમાં સોનાની નગરી છે ચાઓયુઆન 
ચાઓયુઆન એ યાનતાઈ (Yantai) શહેરનો ભાગ છે, જે છેલ્લા 39 વર્ષથી ચીનનું સૌથી મોટું સોનું ઉત્પાદક ક્ષેત્ર છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનના કુલ સોનાના ભંડારનો લગભગ 25 ટકા ભંડાર માત્ર આ વિસ્તારમાં જ આવેલો છે. વર્ષ 2013માં અહીં આશરે 146.5 ટન સોનાનું ઉત્પાદન થયું હતું. અત્યારે અહીં 190થી વધુ ગોલ્ડ કંપનીઓ કાર્યરત છે અને 40,000થી વધુ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે.

રેતીમાંથી સોનું શોધવાનો રોમાંચ
ચાઓયુઆનમાં પર્યટકો સીધા માઈન્સમાં જવાને બદલે સુરક્ષિત હોય એવા નદી કિનારાઓ અને નિર્ધારિત ટૂરિસ્ટ પ્લેસ પર પહોંચે છે. અહીં લોકો નદીની રેતી અને કાંપને છાણીને એમાંથી સોનાના નાના કણો શોધે છે. આ આખી પ્રોસેસ તમને જૂના જમાનાની ફિલ્મો કે વાર્તાઓ જેવો અહેસાસ કરાવે છે. ટૂરિસ્ટ રેતી છાણીને જે સોનાના કણ કે ટુકડા શોધે છે, તેને તેઓ યાદગીરી તરીકે પોતાની સાથે ઘરે પણ લઈ જઈ શકે છે.

કેમ વધી રહ્યું છે આ સ્થળનું મહત્વ?
વાત કરીએ વધુ લોકો કેમ અહીંયા પહોંચી રહ્યા છે એની તો એના માટે અલગ અલગ કારણો જવાબદાર છે. જેમાંથી સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એટલે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હોવાને કારણે લોકો ઓછા ખર્ચે સોનું મેળવવાની આશા સાથે અહીં આવે છે. આ સિવાય ફેમિલી સાથે ફરનારા અને સોલો ટ્રાવેલર્સ માટે આમ રેતીમાંથી સોનું શોધવું એ એક અનોખો એડવેન્ચરિયસ એક્સપિરીયન્સ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચાઓયુઆન આજે માત્ર ખાણકામનું કેન્દ્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી, પણ ધીરે ધીરે તે સોનું, એડવેન્ચર અને ઇતિહાસનો એક અનોખો સંગમ બની ચૂક્યું છે. છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...