આજના સમયમાં ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું સુરક્ષા અને કાયદા બંને દ્રષ્ટિએ અનિવાર્ય છે. જોકે, અનેક બાઇક ચાલકો, ખાસ કરીને યુવાનોના મનમાં એક મોટો ડર સતાવી રહ્યો છે કે શું સતત હેલ્મેટ પહેરવાથી વાળ ખરી જાય છે? સોશિયલ મીડિયા પર આ મુદ્દે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે અને ઘણા લોકો તો વાળ ખરવાના ડરથી હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. આજે આપણે જાણીશું કે આ વાળ ખળવાની વાત કેટલી સત્ય છે.
શું ખરેખર હેલ્મેટ વાળ ખરવા માટે જવાબદાર છે?
નિષ્ણાંતોના પ્રમાણે હેલ્મેટ સીધી રીતે ટાલિયાપણું લાવતું નથી, પરંતુ કેટલીક ખોટી આદતો વાળ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબો સમય હેલ્મેટ પહેરવાથી માથાના ભાગે પરસેવો વળે છે, જેને કારણે વાળના મૂળ નબળા પડી શકે છે અને હેરફોલની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત, જો હેલ્મેટ વધુ પડતું ટાઈટ હોય અથવા તે પહેરતી-ઉતારતી વખતે વાળમાં ખેંચાણ આવે, તો તેનાથી વાળ તૂટવાનું પ્રમાણ વધી જાય છે. એટલે કે, હેલ્મેટ પોતે વિલન નથી, પણ તેને પહેરવાની રીત સમસ્યા ઉભી કરી શકે છે.
વાળને સુરક્ષિત રાખવાના ઉપાય
વાળની સુરક્ષા માટે કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો પણ છે. સૌ પ્રથમ તો હેલ્મેટની અંદર સીધા વાળ રાખવાને બદલે એક પાતળો સુતરાઉ રૂમાલ અથવા કોટન કેપ પહેરવી જોઈએ, જે પરસેવો શોષી લે છે. આ સિવાય, ક્યારેય ભીના વાળમાં હેલ્મેટ ન પહેરવું જોઈએ, કારણ કે તેનાથી ઇન્ફેક્શન અને વાળ ખરવાની શક્યતા વધી જાય છે. હેલ્મેટને નિયમિત રીતે સાફ રાખવું અને શક્ય હોય ત્યાં સુધી બીજાનું હેલ્મેટ વાપરવાનું ટાળવું જોઈએ જેથી સ્કેલ્પમાં બેક્ટેરિયા ન ફેલાય.
વાળ ખરવાના અન્ય કારણો અને કાળજી
માત્ર હેલ્મેટ જ નહીં, પરંતુ વાળ ખરવા પાછળ આનુવંશિક કારણો, હોર્મોનલ ફેરફાર, માનસિક તણાવ અને પોષણયુક્ત આહારનો અભાવ પણ જવાબદાર હોય છે. નિષ્ણાંતો સલાહ આપે છે કે અઠવાડિયામાં એકવાર માથામાં તાજું એલોવેરા જેલ લગાવવું જોઈએ અને વાળ ધોતા પહેલા તેલથી હળવું માલિશ કરવું હિતાવહ છે. જો તમે નિયમિત હેર વોશ કરો અને વાળની સ્વચ્છતા જાળવો, તો હેલ્મેટ પહેરવા છતાં તમારા વાળ સુરક્ષિત રહી શકે છે. ટૂંકમાં, સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વગર યોગ્ય કાળજી રાખવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે.