દાવોસઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વિશ્વના 60 દેશના પ્રતિનિધિની હાજરીમાં ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કરેલી જાહેરાતથી લોકોમાં કૌતુક જાગ્યું હતું. એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગોતમ અદાણીએ એવિએશન, ક્લીન એનર્જી, અર્બન ઈન્ફ્રા, ડિજિટલ પ્લેટફોર્મ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં 6 અબજ ડોલરના રોકાણની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકમાં યોજનાઓ રજૂ કરતાં અદાણીએ કહ્યું કે તેઓ આ રોકાણ મહારાષ્ટ્ર, આસામ અને ઝારખંડમાં કરશે.
અદાણી ગ્રુપ દ્વારા ગુવાહાટીમાં એરપોર્ટ અંગે વાત કરી હતી. પીએમ મોદીએ આ એરપોર્ટનું ડિસેમ્બર 2025માં ઉદ્ઘાટન કર્યું હતું. આગામી મહિનાથી તે કાર્યરત થવાની શક્યતા છે. યોજનાઓમાં હોસ્પિટાલિટી અને રિટેલ ઈન્ફ્રા, લેવલ ડી ફુલ ફ્લાઈટ સિમ્યુલેટર સાથે એવિએશન એકેડમી, વિમાનોનું મેઈન્ટેનન્સ, એમઆરઓ જેવી સુવિધાઓ સામેલ છે.
ગ્રુપે આસામના કાર્બી આંગલોંગ અને દીમા હસાઓ જિલ્લામાં રિન્યુએબલ એનર્જી યોજનાની જાહેરાત કરી હતી, જેમાં 2700 મેગાવોટથી વધુ સૌર ઊર્જા ઉત્પન્ન કરાશે. તેના પૂરક રોકાણોમાં સીમેન્ટ મેન્યુફેક્ચરિંગ તથા ગ્રાઈન્ડિંગ યુનિટ્સ સામેલ છો. જેનો હેતુ પૂર્વ તથા પૂર્વોત્તર ભારતમાં સપ્લાય ચેન મજબૂત કરવાનો છે.
મહારાષ્ટ્રમાં અદાણી ગ્રુપના પ્રસ્તાવિત રોકાણો શહેરી પુનઃવિકાસ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેક્સ્ટ જનરેશનની ઊર્જા પ્રણાલીઓ પર કેન્દ્રિત છે. જેમાં મુંબઈનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (અહીં 25 ડિસેમ્બરથી કામગીરી શરૂ થઈ છે) અને તેની સાથે જોડાયેલા લોજિસ્ટિક્સ, કમર્શિયલ તથા હોસ્પિટાલિટી સેક્ટરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, "અમે દરેક રોકાણકારનું સ્વાગત કરીશું, પછી તે અદાણી ગ્રુપ હોય કે અન્ય કોઈ, કારણ કે રોકાણ વિના આપણા યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે નહીં."
મહારાષ્ટ્રમાં આ સિવાય અન્ય મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પણ સામેલ છે, જેમાં 3,000 મેગાવોટની સંયુક્ત ક્ષમતા ધરાવતા ગ્રીન ડેટા સેન્ટર પાર્ક, એરપોર્ટ પાસે એકીકૃત એરિના ડિસ્ટ્રિક્ટ, 8,700 મેગાવોટના પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ, કોલ ગેસિફિકેશન પહેલ, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન સુવિધાઓ તથા ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે સરકારના બદલાતા માળખા મુજબ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ સામેલ છે.સૂત્રોએ જણાવ્યું કે, આ આયોજિત રકમ આગામી સાતથી દસ વર્ષમાં ખર્ચવામાં આવશે.
ગ્રુપે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત રોકાણોનો ઉદ્દેશ્ય રોજગાર સર્જન, કૌશલ્ય નિર્માણ અને ટેક-આધારિત સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે જ આ પ્રોજેક્ટ્સ ઊર્જા પરિવર્તન, ઉત્પાદનમાં આત્મનિર્ભરતા અને પ્રાદેશિક વિકાસ જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં વિશ્વના રાજનેતાઓ અને બિઝનેસ દિગ્ગજો વચ્ચે અદાણી ગ્રુપની જાહેરાતોએ ભારતના આર્થિક વિસ્તરણના આગામી તબક્કાને આકાર આપવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ અને લાંબા ગાળાની ખાનગી મૂડીની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરી હતી.