પ્રયાગરાજ: માઘ મેળામાં છેલ્લા એક અઠવાડિયાથી વિવાદ ચાલી રહ્યો છે. બદ્રીનાથનો જ્યોતીષમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને સ્નાન કરવા જતા રોકવા તથા શંકરાચાર્ય તરીકેનો પૂરાવો માંગતા માઘ મેળાનો માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે શનિવારે સાંજે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરની બહાર અસામાજિક તત્વોએ મારામારી કર્યાની ઘટના સામે આવી છે.
'આઇ લવ બુલડોઝર બાબા'ના નારા લાગ્યા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી કલ્પવાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ મુજબ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરની બહાર સાંજે સાડા છથી સાડા સાત વાગ્યાની વચ્ચે કેટલાક અસામાજિક તત્વો હાથમાં લાડકી-ઠંડા અને ભગવા ઝંડા સાથે આવ્યા હતા.
કેટલાક લોકોએ બળજબરીપૂર્વક શિબિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના સેવકોએ તેમને અટકાવ્યા હતા. જેમાં બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. મારામારી કરનારા કેટલાક અસામાજિક તત્વો 'આઇ લવ બુલડોઝર બાબા'ના નારા પણ લગાવ્યા હતા.
પોલીસ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિર બહાર થયેલા આ હંગામાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, શિબિર બહાર શનિવારે સવારે જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તેથી હુમલાખોરોની ઓળખ જલ્દી થઈ જશે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોતાના શિબિર બહાર થયેલી મારામારીની ઘટનાને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ચિંતા વ્યક્ત કરી છે. આ સિવાય પોતાને જીવનું જોખમ તથા શિબિરમાં રહેતા શ્રદ્ધાળુઓ અને શિબિરની સંપત્તિને નુકસાન પહોંચવાની શક્યતાઓ જતાવી છે અને તેમને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.