ગીર સોમનાથ, ઉનાઃ ભારતભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. અનેક લોકોના સ્ટેજ પરથી સન્માન પણ કરવામાં આવ્યાં છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું એક ગામ છે રાજપરા બંદર. અહીં ગ્રામજનો અને સરપંચે એક જોરદાર નિર્ણય લીધો છે. અહીં 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીની સાથે સાથે રાજપરા બંદર ગામના જે યુવાનો સરકારી નોકરીમાં જોડાયા અને ગામનું ગૌરવ વધાર્યું એવા યુવાનોનું રાજપરા ગ્રામ પંચાયત તેમજ શ્રી રાજપરા પ્રાથમિક શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
સન્માન કરાવવું હોય તો પહેલા નોકરી મેળવો
આ સાથે હવે રાજપરા બંદર ગામે એક નિર્ણય પણ કર્યો છે કે, ગામમાં સ્ટેજ પરથી તેનું જ સન્માન થશે જેમણે નોકરી મેળવીને ગામનું ગૌરવ વધાર્યું હોય, તે સિવાય કોઈ પણ વ્યક્તિનું ના તો સન્માન કરવામાં આવશે, કે ના સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે. આ નિર્ણયના કારણે યુવાનોમાં નોકરી લેવા માટેનો ઉત્સાહ જાગે અને તેઓને તૈયાર કરવા માટે પ્રોત્સાહન પણ મળી રહેશે. યુવાનોને સરકારી નોકરીની તૈયારી કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ પ્રકારે મદદ પણ કરવામાં આવતી હોય છે.
ગામના સરપંચે મુંબઈ સમાચાર સાથે કરી ખાસ વાત
આ અંગે ગામના સરપંચે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે, આ વખતે અમે એક નવી પ્રથા પાડી છે. વર્ષની અંદર જેણે પણ સરકારી નોકરી લીધી હોય તેમનું જ સ્ટેજ પરથી સન્માન કરવાનું, બાકી બીજા કોઈનું સન્માન નહીં કરવાનું છે. જેને સ્ટેજ પરથી સન્માન લેવું હોય તો માત્ર એને નોકરી લેવી પડે, એવું અમે જાહેર કર્યું છે. બાકી વિદ્યાર્થી સિવાય કોઈને સ્ટેજ પર સ્થાન નહીં. જે સરકારી નોકરી લેશે તેનું જ સન્માન કરવામાં આવશે. આજે ગામના પાંચ યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
યુવાનોને પ્રોત્સાહન આપવા લેવાયો આ નિર્ણયઃ સરપંચ
ભવિષ્યમાં રાજપરા બંદર ગામના યુવાનો મોટી સંખ્યામાં નોકરી મેળવી સન્માનને પાત્ર બને એવી સરપંચે આશા પણ વ્યક્ત કરી છે. આ સાથે ભવિષ્યમાં રાજપરામાંથી 100 યુવાન અને યુવતીઓ નોકરી મેળવે એવી અપેક્ષાઓ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. યુવાનોનું પણ કહેવું છે કે, માત્ર સપનાઓથી કંઈ પૂરું થતું નથી; તેમને સાકાર કરવા પ્રયત્ન અને મહેનત જરૂરી છે. આ ગામ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થવાનું છે.