ગાંસુ: થાઈલેન્ડથી રશિયાના બાર્નૌલ જતી ફ્લાઇટમાં ટેક ઓફ પછી ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેના લીધે 246 લોકોના જીવ અધ્ધર થયા હતા. જોકે, આ દરમિયાન ચીન મદદે આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ વિમાને ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં લાન્ઝોઉ ઝોંગચુઆન આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ઈમરજ્ન્સી લેન્ડિંગ કર્યું હતું.
રશિયા જતી ફ્લાઈટે ઈમરજ્ન્સી જાહેર કરી
રશિયા જતી આ ફ્લાઈટે શુક્રવારે થાઈલેન્ડના ફુકેટથી રશિયાના બાર્નૌલ માટે ઉડાન ભરી હતી. તેની બાદ ચીનના લાન્ઝોઉમાં સલામત ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ત્યાર બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિક સમય મુજબ સાંજે 4:51 વાગ્યે ચીનના ઉત્તર પશ્ચિમ ગાંસુ પ્રાંતના લાન્ઝોઉ ઝોંગચુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
વિમાન કુલ 246 લોકો સાથે સુરક્ષિત રીતે ઉતર્યુ
બોઇંગ 757-200 વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ ZF2998 ક્રૂ દ્વારા ડિસ્ટ્રેસ કોલની જાણ કર્યા પછી ટ્રાન્સપોન્ડર કોડ 7700 સેટ કરવામાં આવ્યો અને લાન્ઝોઉમાં કટોકટી લેન્ડિગનો નિર્ણય લેવામાં આવ્યો. લાન્ઝોઉ ઝોંગચુઆન આંતરરાષ્ટ્રીય વિમાનમથક અનુસાર વિમાન કુલ 246 લોકો સાથે સુરક્ષિત રીતે ઉતર્યું, જેમાં 239 મુસાફરો અને 7 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ વિમાનના જમણા એન્જિનમાં ખામીને કારણે ઈમરજન્સી સર્જાઈ હતી. એરપોર્ટ પર હાલમાં મુસાફરો અને ક્રૂ માટે વધુ વ્યવસ્થાઓનું સંકલન કરી રહ્યું છે.