મેલબર્ન: ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જૉકોવિચે (Djokovic) ગુરુવારે ઑસ્ટ્રેલિયન ઓપનમાં કરીઅરની 399મી ગૅ્રન્ડ સ્લૅમ મૅચ જીતી લીધી હતી અને એ સાથે તે 400ના જાદુઈ આંકડાથી એક જ ડગલું દૂર છે. તેણે ફ્રાન્સેસ્કો મૅસ્ટ્રેલીને 6-3, 6-2, 6-2થી હરાવી દીધો હતો.
જૉકોવિચ પચીસમું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની પેરવીમાં છે. જો તે વિજેતાપદ મેળવશે તો સૌથી મોટી ઉંમરે ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર કેન રોઝવૉલનો વિક્રમ તોડી નાખશે.
દરમ્યાન, 40 વર્ષનો સ્ટૅન વૉવરિન્કા ગ્રેન્ડ સ્લૅમ ચૅમ્પિયનશિપમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં આર્થર ગીઆ (Gea)ને સાડાચાર કલાક ચાલેલી મૅચમાં 4-6, 6-3, 3-6, 7-5, 7-6 (7-3)થી હરાવી દીધો હતો.
મહિલાઓમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅડિસન કીઝે ઍશ્લીન ક્રુગરને 6-1, 7-5થી પરાજિત કરીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ઇગા સ્વૉન્ટેકે બીજા રાઉન્ડમાં મૅરી બૉઉઝકોવાને 6-2, 6-3થી હરાવી દીધી હતી.