બ્રસેલ્સ/દાવોસ: યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં મોટું ભંગાણ પડ્યું છે. યુરોપિયન સંસદે આજે એક કડક નિર્ણય લેતા અમેરિકા સાથેના મહત્વપૂર્ણ વેપાર કરારને સ્થગિત કરી દીધો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી અને ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની તેમની જીદના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું છે.
ટ્રમ્પ હજુ પણ ગ્રીનલેન્ડ મુદ્દે મક્કમ છે
યુએસ પ્રમુખે યુરોપિયન સાથી દેશો પર 10 થી 25 ટકા જેટલો મોટો ટેરિફ (વેપાર કર) લાદવાની યોજના બનાવી છે, જે જુલાઈ 2025માં થયેલા કરારની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ આર્ક્ટિક ક્ષેત્રમાં આવેલા ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માટે સતત દબાણ કરી રહ્યા છે, જેનો યુરોપિયન નેતાઓ વિરોધ કરી રહ્યા છે. જેથી યુરોપિયન સંસદે અમેરિકા સાથે કરવામા આવેલી ટ્રેડ ડીલ સસ્પેન્ડ કરી દીધી છે.
યુરોપિયન સંસદના સભ્ય અને ટ્રેડ સંબંધો પરની INTA સમિતિના અધ્યક્ષ બર્ન્ડ લેંગેએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દરમિયાન ટ્રમ્પના સંબોધનથી સ્પષ્ટ થાય છે કે તેઓ હજુ પણ ગ્રીનલેન્ડ મુદ્દે મક્કમ છે." લેંગે ઉમેર્યું હતુ કે, "ટ્રમ્પે ભલે લશ્કરી બળના ઉપયોગને નકારી કાઢ્યો હોય, પરંતુ 10 થી 25 ટકા ટેરિફનો પ્રસ્તાવ હજુ પણ યથાવત છે, જે સ્વીકારી શકાય તેમ નથી."
યુએસ-EU ના આર્થિક સંબંધો પર થશે અસર
સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે ગ્રીનલેન્ડના જોડાણ અંગે તાત્કાલિક વાટાઘાટો કરવાની હાકલ કરી હતી. જોકે, તેમણે શાંતિપૂર્ણ વાટાઘાટોની વાત કરી હતી, પરંતુ આર્થિક રીતે યુરોપને દબાણમાં લેવાની તેમની નીતિથી યુરોપિયન સંસદ નારાજ છે. આ નિર્ણયથી વર્ષ 2025માં થયેલા કરાર પર પાણી ફરી વળ્યું છે. આ સ્થગિતતાને કારણે વૈશ્વિક બજાર અને યુએસ-EU ના આર્થિક સંબંધો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.