દુબઈ: T-20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશી મીડિયાના એક્રિડિટેશનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ભારત અને શ્રીલંકામાં યોજાનારા આ ટુર્નામેન્ટ માટે ICCએ બાંગ્લાદેશી પત્રકારોની માન્યતા પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી બાંગ્લાદેશી ક્રિકેટ બોર્ડ લાલઘૂમ થયું છે. બીસીબીએ આઈસીસી પાસે પણ આ નિર્ણય મુદ્દે સ્પષ્ટીકરણ માગ્યું છે. મીડિયાને કેસ-ટૂ કેસ આધારે ચકાસવામાં આવશે.
બાંગ્લાદેશી પત્રકારોની અરજી ફગાવાઇ
T-20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશની ટીમ બહાર થઈ ગયા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશી મીડિયા માટે એક્રિડિટેશન પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કર્યા છે. મળતી માહિતી મુજબ, ICCએ અનેક બાંગ્લાદેશી પત્રકારોની અરજીઓ ફગાવી દીધી છે. તેમને હવે નવેસરથી અરજી કરવાનું કહેવામાં આવ્યું છે.
BCBએ માંગ્યો ICC પાસે જવાબ
બાંગ્લાદેશની ટીમ હવે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી નથી. તેથી સુરક્ષા અને શેડ્યૂલને ધ્યાનમાં રાખીને મીડિયા માન્યતા યાદીમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આશરે 80 થી 90 બાંગ્લાદેશી પત્રકારોએ કવરેજ માટે અરજી કરી હતી. ICCના નિયમ મુજબ કોઈપણ દેશનો મીડિયા કોટા મર્યાદિત હોય છે, જે બાંગ્લાદેશ માટે 40થી વધુ હોઈ શકે નહીં.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મીડિયા ચીફ અમજદ હુસૈને આ મામલે ICC પાસે સ્પષ્ટતા માંગી છે. અમજદ હુસૈને કહ્યું કે, "અમને 26 જાન્યુઆરીએ જ આ બાબતની જાણ થઈ છે. અમે જાણવા માંગીએ છીએ કે આ આંતરિક નિર્ણય પાછળનું કારણ શું છે?"
બાંગ્લાદેશ ટીમ T-20 વર્લ્ડ કપમાં કેમ નથી?
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોને ટાંકીને પોતાની ટીમને ભારત મોકલવાનો ઈન્કાર કર્યો હતો, જોકે ICCના મતે ભારતમાં બાંગ્લાદેશની ટીમ માટે કોઈ સુરક્ષા જોખમ નહોતું. બાંગ્લાદેશના આ નિર્ણય બાદ ICCએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું છે.