Tue Jan 27 2026

Logo

White Logo

ડબલ્યૂપીએલમાં 1,059 દિવસે આ મહિલા ખેલાડી બની પહેલી સેન્ચુરિયન

8 hours ago
Author: Ajay Motiwala
Video

વડોદરા: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) તરીકે જાણીતી મહિલાઓની આઇપીએલની 2023ની સાલમાં શરૂઆત થઈ ત્યારથી માંડીને સોમવાર સુધીના  1,059 દિવસના એના ઇતિહાસમાં એક પણ ખેલાડી સેન્ચુરી નહોતી કરી શકી, પરંતુ સોમવારે એ સિદ્ધિ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની બ્રિટિશ ખેલાડી નૅટ સિવર-બ્રન્ટ (100 અણનમ, 57 બૉલ, એક સિક્સર, સત્તર ફોર )એ હાંસલ કરી હતી. તેણે 2024ની વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) સામેની વડોદરાની મૅચમાં આ અણનમ સદી ફટકારી હતી.

મુંબઈની 15 રનથી જીત

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈએ 20 ઓવરમાં ચાર વિકેટે 199 રન કર્યા બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં આરસીબીની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 184 રન કરી શકી હતી અને મુંબઈની ટીમનો 15 રનથી વિજય થયો હતો.

 

રિચા ઘોષની મહેનત પાણીમાં

આરસીબીની વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (90 રન, 50 બૉલ, છ સિક્સર, દસ ફોર)ની ઈનિંગ્સ એળે ગઈ હતી. ખુદ કેપ્ટન સ્મૃતિ મંધાના છ રન બનાવી શકી હતી. મુંબઈની હૅલી મેથ્યૂઝે ત્રણ વિકેટ તેમ જ શબનીમ ઈસ્માઈલ અને અમેલી કૅરે બે-બે વિકેટ લીધી હતી.

અગાઉ બે વખત 99ના સ્કોર જોવા મળ્યા

ડબલ્યૂપીએલના ચાર વર્ષના ટૂંકા ઇતિહાસમાં આ પહેલાં બે વખત 99ના વ્યક્તિગત સ્કોર જોવા મળ્યા હતા: યુપી વોરિયર્ઝની જયોર્જીયા વૉલ (99 અણનમ) અને આરસીબીની સૉફી ડિવાઇન (99 રન). અગાઉ કુલ દસ વખત 90-99 રન સુધીમાં કુલ 10 વ્યક્તિગત સ્કોર નોંધાયા હતા, પરંતુ ક્યારેય કોઈ ખેલાડી સેન્ચુરી નહોતી કરી શકી.

કોની પાસે કઈ કૅપ?

વર્તમાન ડબલ્યૂપીએલમાં નૅટ સિવર-બ્રન્ટના 319 રન હાઈએસ્ટ છે અને ઑરેન્જ કૅપ તેની પાસે છે. દિલ્હીની બોલર નંદની શર્મા હાઇએસ્ટ 13 વિકેટ સાથે પર્પલ કૅપ ધરાવે છે.