Sat Sep 05 2026

Logo

પીએફ ધારકો માટે મહત્વના સમાચાર, હવે એટીએમથી પણ પીએફના નાણા ઉપાડી શકાશે

2025-12-15 15:58:09
Author: Chandrakant Kanoja
પીએફ ધારકો માટે મહત્વના સમાચાર, હવે એટીએમથી પણ પીએફના નાણા ઉપાડી શકાશે

નવી દિલ્હી : દેશના લાખો પીએફ ધારકો માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પીએફ ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. જેમાં માર્ચ માસ  સુધી પીએફને યુપીઆઈ સાથે લિંક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે કર્મચારી એટીએમથી પીએફના નાણા ઉપાડી શકશે. તેમજ સમગ્ર પ્રક્રિયા સરળ બનશે. 

સરકાર ધીરે ધીરે નિયમોમાં ફેરફાર કરી રહી છે

આ અંગે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે પીએફ ધારક તેમના કુલ જમા રકમમાંથી 75 ટકાનો ઉપાડ કરી શકશે. આ પીએફ કર્મચારીની મહેનતની કમાણી છે. જે તેમના પગારમાંથી કપાઈને જમા થાય છે. આજની તારીખે પીએફ ઉપાડની પ્રકિયા અટપટી છે. જેમાં અનેક લોકો ફોર્મ ભરતા ભરતા જ થાકી જાય છે. જેમાં પીએફ ઉપાડ માટે અનેક પ્રકારના ફોર્મ ભરવા પડતા હતા. જેને જોતા સરકાર ધીરે ધીરે નિયમોમાં ફેરફાર કરી રહી છે. તેમજ હવે 75 ટકા નાણા કોઈ પણ મુશ્કેલી વિના ઉપાડી શકાય છે. 

પેન્શન માટે 10 વર્ષની સતત નોકરી જરૂરી

જયારે પીએફ 25 ટકા નાણા જમા રાખવા અંગે પણ કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ રકમ કર્મચારીના હિતમાં તેની નોકરીનું સાતત્ય જળવાઈ રહે તે માટે રાખવામાં આવે છે. જેમાં જો કોઈ કર્મચારી સાત મહિના બાદ નોકરી છોડે છે. તેમજ સમગ્ર રકમ ઉપાડી લે છે. તેમજ થોડા સમય બાદ ફરી નોકરીમાં જોડાય છે. ત્યારે  તે પેન્શન માટે હકદાર બનતો નથી. પેન્શન માટે 10 વર્ષની સતત નોકરી જરૂરી છે. તેથી 25 રકમ જમા રાખવામાં આવે છે અને નવી નોકરી મળે ત્યાં સુધી તેને સુરક્ષા મળે છે. જેનાથી પેન્શનનો હકદાર બને છે. 

એટીએમમાંથી પીએફના નાણા ઉપાડી શકશે.

મનસુખ માંડવિયાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરકાર પીએફ  અને યુપીઆઈ અને એટીએમ સાથે લિંક કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ પ્રક્રિયા ચાલુ છે, અને કર્મચારીઓ માર્ચ પહેલા એટીએમમાંથી પીએફના નાણા ઉપાડી શકશે. તેમણે ઉમેર્યું હતું કે પીએફ ખાતાઓને પહેલાથી જ બેંક ખાતા, આધાર અને યુએનઆઈ સાથે લિંક કરવામાં આવ્યા છે.