Tue Jan 27 2026

Logo

White Logo

T20 વર્લ્ડ કપઃ પાકિસ્તાનના રમવા અંગે સસ્પેન્સ પણ પૂર્વ ખેલાડીઓના સૂર બદલાયા...

karachi   6 hours ago
Author: Mumbai Samachar Team
Video

કરાંચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા આગામી ટી-20 વર્લ્ડ કપમાં રમવા અંગેના નિર્ણય પડતો મોકૂફ રાખ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ અને પીસીબીના પૂર્વ અધિકારીઓએ એક સૂરમાં કહ્યું હતું કે બાંગ્લાદેશનું સમર્થન કરવું યોગ્ય છે પરંતુ તે રાષ્ટ્રીય ક્રિકેટના ભોગે ન કરવું જોઈએ નહીં.

પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ પાકિસ્તાનના રમવા અથવા વર્લ્ડ કપમાંથી હટી જવાની પુષ્ટી માટે શુક્રવાર અથવા સોમવારની સમયમર્યાદા નક્કી કરી છે. બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન મોહમ્મદ હાફીઝનું માનવું છે કે પીસીબીએ પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપમાં રમવા મોકલવી જોઈએ, જ્યારે પીસીબીના ભૂતપૂર્વ ચેરમેન ખાલિદ મહમૂદ અને ભૂતપૂર્વ સચિવ આરિફ અલી અબ્બાસીને ટીમને ન મોકલવા પાછળ કોઈ તર્ક દેખાતો નથી.

અબ્બાસીએ કહ્યું હતું કે, "હું સમજી શકું છું કે પાકિસ્તાન બાંગ્લાદેશનું સમર્થન કરી રહ્યું છે પરંતુ પીસીબી ટીમ ન મોકલીને શું પ્રાપ્ત કરશે, સિવાય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ અને સભ્ય બોર્ડ સાથેના સંબંધોને નુકસાન પહોંચાડશે?" જગમોહન દાલમિયા અને આઈએસ બિન્દ્રા જેવા દિગ્ગજોના કાર્યકાળ દરમિયાન બોર્ડમાં સેવા આપનારા અબ્બાસીએ કહ્યું કે પીસીબીએ વર્લ્ડ કપમાં ટીમ મોકલવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, "શ્રીલંકા સાથેના આપણા સંબંધોનું શું થશે? સ્વાભાવિક છે કે જો પાકિસ્તાન નહીં જાય તો શ્રીલંકાને નુકસાન થશે કારણ કે ભારત સામેની મેચ સહિત અમારી બધી મેચ શ્રીલંકામાં યોજાવા જઈ રહી છે."

મહમૂદે કહ્યું હતું કે પીસીબીનું વલણ પ્રશંસનીય છે, પરંતુ તેણે સમજદારી રાખવી પડશે અને પાકિસ્તાન ક્રિકેટના હિતોને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, "આપણે યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશની મેચ ભારતમાંથી ખસેડવાની માંગને સમર્થન આપ્યું નથી. હું બાંગ્લાદેશ બોર્ડના વલણને સમજી શકું છું, પરંતુ એ પણ સાચું છે કે તેમને આઈસીસી બેઠકમાં કોઈ સમર્થન મળ્યું નથી."

ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન, ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર અને મુખ્ય કોચ મોહસીન ખાને પણ પીસીબીને વર્લ્ડ કપમાં ટીમ મોકલવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "અમને ભારત સાથે સમસ્યા છે, પરંતુ અમે આપણે બધી મેચ શ્રીલંકામાં રમી રહ્યા છીએ. તેમણે વાંચ્યું છે કે બાંગ્લાદેશ બોર્ડ આઈસીસીના નિર્ણય સામે અપીલ કે પડકાર કરશે નહીં. તેમણે ચેતવણી આપી કે તો પછી પીસીબી કયા આધારે ટીમને વર્લ્ડ કપમાં નહીં મોકલે? તેનાથી આપણા ક્રિકેટને નુકસાન પહોંચશે."

ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક અને મોહમ્મદ યુસુફે અંતિમ નિર્ણય લેતી વખતે તમામ પાસાઓનો વિચાર કરવાની સલાહ આપી હતી. ઇન્ઝમામે કહ્યું હતું કે, "વ્યક્તિગત રીતે હું પાકિસ્તાનને વર્લ્ડ કપમાં રમતા જોવા માંગુ છું. આપણી પાસે સારા ખેલાડીઓ છે અને આપણા ક્રિકેટરોએ મુખ્ય ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે."