વિઠ્ઠલ વઘાસિયા
આજે ડિજિટલ ક્રાંતિનો યુગ છે. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાએ માનવજીવનને નવી દિશા આપી છે. આજે વિશ્વ એક ‘ગ્લોબલ વિલેજ’ બની ગયું છે, જ્યાં પળોમાં માહિતી એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી જાય છે. સોશ્યલ મીડિયા જેવી કે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, એક્સ (ટ્વિટર) વગેરે લોકો માટે સંપર્ક, સંવાદ, મનોરંજન અને અભિવ્યક્તિનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની ગયાં છે, પરંતુ જેટલી ઝડપથી આ માધ્યમો લોકપ્રિય બન્યા છે એટલી જ ઝડપથી તેની સારી-નરસી અસરો માનવ જીવન પર દેખાવા લાગી છે. યોગ્ય સમજ અને સાવચેતી વિના સોશ્યલ મીડિયાનો ઉપયોગ વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે તેથી આજના સમયમાં સોશ્યલ મીડિયા ઉપયોગ કરતાં પહેલા ચોક્કસ સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, જેમકે...
* વ્યક્તિગત માહિતીની સુરક્ષા:
ઘણા લોકો અજાણતાં જ પોતાની અંગત વિગતો જેમ કે મોબાઈલ નંબર, સરનામું, જન્મતારીખ, પરિવારની માહિતી, પ્રવાસની વિગતો વગેરે જાહેર કરી દે છે. આવી માહિતીનો દુરુપયોગ થઈ શકે છે અને વ્યક્તિ ઠગાઈ, હેકિંગ અથવા અન્ય ગુનાનો શિકાર બની શકે છે. આથી, સોશ્યલ મીડિયા પર શું શેર કરવું અને શું નહીં - તે અંગે સમજદારી રાખવી જોઈએ. પ્રાઈવસી સેટિંગ્સ યોગ્ય રીતે ગોઠવવી અને અજાણ્યા લોકો સાથે અંગત માહિતી વહેંચવાથી બચવું જરૂરી છે.
* ખોટી માહિતી વત્તા અફવાઓથી બચાવ:
સોશ્યલ મીડિયાની સૌથી મોટી સમસ્યા છે - ખોટી માહિતી, અફવાઓ અને ભ્રામક સમાચાર. કોઈપણ સમાચાર, વીડિયો કે સંદેશો સાચા છે કે નહીં તેની તપાસ કર્યા વિના ફોરવર્ડ કરવાથી સમાજમાં ભય, ગેરસમજ અને અશાંતિ ફેલાઈ શકે છે. જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિએ કોઈપણ માહિતી શેર કરતા પહેલા વિચારવું જોઈએ. વિશ્વસનીય ોતમાંથી માહિતી મળી છે કે નહીં, તેની પુષ્ટિ કર્યા વગર ફોરવર્ડ કરવું યોગ્ય નથી. એક ખોટો મેસેજ પણ સમાજમાં મોટું નુકસાન કરી શકે છે.
* સમય ને જીવન સંતુલન અંગે સાવચેતી:
સોશ્યલ મીડિયાનો અતિશય ઉપયોગ માણસને સમયનું ભાન ભૂલાવી દે છે. કલાકો સુધી મોબાઈલ સ્ક્રોલ કરવું, રીલ્સ જોવી અને બિનજરૂરી ચર્ચામાં સમય વેડફવાથી અભ્યાસ, કામ, આરોગ્ય અને પરિવાર જીવન પર નકારાત્મક અસર પડે છે. તેથી સોશ્યલ મીડિયા માટે સમય મર્યાદા નક્કી કરવી જરૂરી છે. જીવનમાં ટેક્નોલોજી આપણું સાધન હોવું જોઈએ, જીવનનું કેન્દ્ર નહીં
* માનસિક સ્વાસ્થ્ય-જાગૃતિ:
સોશ્યલ મીડિયા પર લોકો મોટેભાગે પોતાના જીવનના સારાં પાસાં જ દર્શાવે છે. આ ચમકદાર જીવન જોઈને ઘણા લોકો પોતાના જીવન સાથે તુલના કરવા લાગે છે, પરિણામે હીન ભાવના, અસંતોષ, ઈર્ષ્યા અને તણાવ વધે છે. લોકોએ સમજવું જોઈએ કે સોશ્યલ મીડિયા પર દેખાતું જીવન સંપૂર્ણ સત્ય નથી. પોતાની ખુશી અને આત્મ મૂલ્ય ‘લાઈક’ અને ‘ફોલોઅર્સ’ પર આધારિત ન રાખવું જોઈએ. માનસિક સ્વાસ્થ્ય માટે સમયાંતરે સોશ્યલ મીડિયાથી વિરામ લેવો પણ જરૂરી છે.
* ભાષા તથા અભિવ્યક્તિમાં સંયમ:
સોશ્યલ મીડિયા પર વિચારો વ્યક્ત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં ભાષા અને વર્તનમાં સંયમ રાખવો આવશ્યક છે. અપમાનજનક શબ્દો, ઘૃણાસ્પદ સંદેશા, ટ્રોલિંગ અને સાયબર બુલિંગ સમાજમાં વિખવાદ અને નકારાત્મકતા ફેલાવે છે. સંવેદનશીલ અને સંસ્કારી ભાષા સોશ્યલ મીડિયા પર પણ એટલી જ જરૂરી છે જેટલી વાસ્તવિક જીવનમાં.
* બાળક-યુવાનો માટે વિશેષ સાવચેતી:
બાળકો અને યુવાનો સોશ્યલ મીડિયા પરથી ઝડપથી પ્રભાવિત થાય છે. અયોગ્ય સામગ્રી, ખોટા આદર્શો અને ઓનલાઈન લત તેમના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે માટે માતા - પિતાએ બાળકોને સોશ્યલ મીડિયાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવું, યોગ્ય મર્યાદા નક્કી કરવી અને ખુલ્લો સંવાદ જાળવવો જરૂરી છે.
* કાનૂની સાથે નૈતિક જવાબદારી:
અહીં દરેક પોસ્ટ અને કોમેન્ટ માટે વ્યક્તિ પોતે જવાબદાર છે. ખોટા આરોપો, અફવાઓ, અશ્લીલ સામગ્રી અથવા કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી પોસ્ટ કાયદેસર ગુનો બની શકે છે. ‘આ તો માત્ર મજાક છે’ અથવા ‘ઓનલાઈન છે એટલે કંઈ નહીં થાય’ એવી માનસિકતા ખોટી છે. સોશ્યલ મીડિયા પણ સમાજનો જ એક ભાગ છે અને ત્યાં કરેલા કાર્યનાં પરિણામ પણ વાસ્તવિક જીવનમાં ભોગવવા પડે છે.
* સકારાત્મક ઉપયોગ તરફ દૃષ્ટિકોણ:
સોશ્યલ મીડિયા સ્વયં ખરાબ નથી, પણ તેનો ઉપયોગ જે રીતે થાય છે તે મહત્ત્વનું છે. શિક્ષણ, જ્ઞાન, સામાજિક જાગૃતિ, પ્રેરણા, સારા વિચારો અને માનવસેવા માટે સોશ્યલ મીડિયાનો ઉત્તમ રીતે ઉપયોગ થઈ શકે છે. જો માણસ સચેત અને જવાબદાર બનીને તેનો ઉપયોગ કરે, તો સોશ્યલ મીડિયા વ્યક્તિગત વિકાસ અને સમાજના કલ્યાણ માટે અસરકારક સાધન બની શકે છે.
* ઉપસંહાર...
આમ સોશ્યલ મીડિયા આજના યુગનું શક્તિશાળી સાધન છે. તે જીવનને સરળ પણ બનાવી શકે છે અને મુશ્કેલ પણ-આ બધું તેના ઉપયોગ પર આધાર રાખે છે. આથી, સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં પહેલાં સાવચેતી, સંયમ, વિવેક અને જવાબદારી રાખવી અનિવાર્ય છે. જાગૃત વપરાશકર્તા માટે સોશ્યલ મીડિયા આશીર્વાદ છે અને અજાગૃત વપરાશકર્તા માટે અભિશાપ