હેન્રી શાસ્ત્રી
પાણી પહેલા પાળ: નોર્વેની નાવલાઈ
પાણી ધસમસતું આવે ત્યારે એ પોતાનો રસ્તો ઢોળાવ અને અવરોધ અનુસાર કરી લે છે એટલે પાણી નુકસાન કરશે એવી શંકા હોય તો ચેતીને પાળ બાંધીને પાણીને આવતું રોકી શકાય. એના પરથી સંકટની આશંકા હોય ત્યારે એ આવે તે પહેલા એનો ઉપાય કરવાની સલાહ ‘પાણી પહેલા પાળ બાંધવી’ કહેવત આપે છે. ટ્રમ્પ, પુટિન કે શી જિનપિંગની હરકતો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આંગળી ચીંધે છે એવી અટકળો થયા કરે છે, પણ એક એવો વર્ગ છે ત્રીજું વિશ્વયુદ્ધ તો પાણી માટે જ ખેલાશે એવું માને છે.
‘લેન્ડ ઓફ મીડનાઈટ સન’ તરીકે પ્રખ્યાત નોર્વેએ સમુદ્રમાં 600 મીટરની ઊંડાઈ પર એક અનોખો અંડરવોટર ડિસ્ટિલેશન પ્લાન્ટ (ખારું પાણી મીઠું કરવાની યંત્રણા) બેસાડ્યો છે જે આ વર્ષે કાર્યરત થઈ જશે. આ યંત્રણા ઊંડે કામ કરતી હોવાથી પ્રેશર-દબાણ ખૂબ જ રહેશે અને પરિણામે ઘણી ઓછી વીજળી વાપરવી પડશે.
એક સ્ટીલ કેપ્સ્યુલ દરરોજ 1 હજાર ક્યુબિક મીટર મીઠું પાણી બનાવી શકે છે, અત્યારના તબક્કે પ્રતિ દિન 50 હજાર ક્યુબિક મીટર મીઠું પાણી તૈયાર કરવાની યોજના છે જે 37 હજાર લોકો માટે પૂરતું હોવાની ગણતરી છે. આ ક્ષમતા ઉત્તરોત્તર વધારવામાં આવશે. યુનાઈટેડ નેશન્સના અંદાજ અનુસાર આગામી પાંચ વર્ષમાં પાણીની જરૂૂરિયાત 40 ટકા વધી જશે. આ પરિસ્થિતિ માં ’પાણી પહેલા પાળ બાંધવાનું’ નોર્વેનુ આ આયોજન વિશ્વ માટે વરદાન સાબિત થઈ શકે છે.
ઘેર ઘેર જોડિયાના ઝૂલા
રામ કોણ ને શ્યામ કોણ, સીતા કોણ - ગીતા કોણ, અંજુ કઈ ને મંજુ કઈ એ સમસ્યા સિનેમાના પડદા પર જોવા મળે ત્યારે ગમ્મત થાય અને થોડી વારની મીઠી મૂંઝવણ પછી એનો ઉકેલ પણ તૈયાર જ હોય. રીલ અને રિયલ લાઈફનો મેળ બેસે એ જરૂરી નથી. વાસ્તવિક જીવનમાં કંચન - કામિનીને કારણે કેવી ગરબડ થઈ શકે એનો જાત અનુભવ કરવો હોય તો 525 ભાષાનું ચલણ ધરાવતા આફ્રિકન દેશ નાઇજીરિયાના ઈગબો-ઓરા શહેરમાં આંટો મારવો જોઈએ.
‘વર્લ્ડ કેપિટલ ઓફ ટ્વિન્સ’ એવા સ્વઘોષિત આ શહેરમાં ટ્વિન્સ-જોડિયા બાળકની ટકાવારી ખાસ્સી વધારે છે. કોઈ કોઈ કુટુંબમાં તો એવી મહેર હોય છે કે ત્રણ અથવા ચાર (ટ્રિપ્લેટ્સ કે ક્વોડ્રપ્લેટ્સ) સુધ્ધાં જોવા મળે છે. પંદરેક વર્ષથી અહીં દર વર્ષે જોડિયાઓના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ શહેરમાં કેમ ઢગલાબંધ જોડિયા જન્મ લે છે એનું કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક તારણ હજી સુધી નથી મળ્યું, પણ મહિલાઓના ભોજનમાં પીરસવામાં આવતી ઓકરા (ભીંડા)ના પાનમાંથી રાંધવામાં આવતી વાનગી આરોગવાથી જોડિયા જન્મે છે એવું માનવામાં આવે છે.
ગાયનેકોલોજિસ્ટ આ દલીલને આડકતરું સમર્થન આપી જણાવે છે કે ‘અહીંની મહિલાઓ એવી કેટલીક વાનગી આરોગે છે જેમાં કેટલાક હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે અને એ સંખ્યાબંધ જોડિયા બાળકોના જન્મ માટે જવાબદાર હોઈ શકે છે.’ હોઈ શકે છે, મતલબ કે એ પુરવાર નથી થયું. આ બધી ચર્ચા-દલીલ વચ્ચે નાઈજીરિયાની એક વિદ્યાર્થિની કહે છે કે ‘આ તો ઈશ્વરની કૃપા છે.’ વાસ્તવિકતા ઘણી વાર સાયન્સ અને શ્રદ્ધા વચ્ચે ફંગોળાતી હોય છે.
મોસાળમાં રહેવા દસ લાખ ડૉલર ચૂકવી બુકિંગ કરાવો...
મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે અસલની કહેવત છે. આધુનિક સમયમાં આ કહેવત એ મામાનું ઘર કેટલે? રિઝોર્ટ દેખાય એટલે જેવું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આપણી સંસ્કૃતિમાં ચંદ્રને ચાંદામામા તરીકે ઓળખવામાં આવે છે. એપોલો ઈલેવનમાં સફર કરી 1969માં નીલ આર્મસ્ટ્રોંગ સમસ્ત પૃથ્વીવાસીઓના સાર્વજનિક મોસાળ એવા ચાંદામામાની ધરતી પર પગ મૂકવામાં સફળ થયો પછી ટેકનોલોજીએ ગજબનાક હરણફાળ ભરી છે. હવે તો ચંદ્ર પર વસવાટ કરવાનું સપનું હકીકત બની જશે એવું માનવામાં આવે છે.
આ પરિસ્થતિનો લાભ લઈ યુએસના કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ તો મોસાળમાં બાંધવામાં આવનારી હોટેલમાં રૂમ બુક કરવા 10 લાખ ડૉલરની ડિપોઝિટ લઈ રહ્યા છે. વિશ્વની સૌપ્રથમ હોટેલ 2032 સુધીમાં તૈયાર થઈ જવાની ગણતરી છે. મબલક નાણાં ધરાવતા લોકો પાસેથી ડાઉન પેમેન્ટ તરીકે પસંદગી અનુસાર અઢીથી દસ લાખ ડૉલર ડિપોઝિટ પેટે લેવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે હોટેલના બાંધકામ માટે ક્ધસ્ટ્રક્શન મટિરિયલ અને મશીનરી ચન્દ્ર પર મોકલવાને બદલે રોબોટિક સિસ્ટમના ઉપયોગથી ચંદ્રની ધરતી પરની જમીન ખોદી બ્લોક્સ તૈયાર કરી બાંધકામમાં વાપરવામાં આવશે. પરવાનગી મળ્યા પછી 2029માં મૂન હોટેલનું બાંધકામ શરૂ કરવામાં આવશે.
છેતરપિંડીની દુનિયામાં પ્રામાણિકતા પ્રધાન
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન કહેવતથી તમે વાકેફ હશો. બુદ્ધિશાળી માણસોની અછત હોય એવે ઠેકાણે એકાદો સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ જોર જમાવી શકે છે એવો એનો ભાવાર્થ છે. એ સંદર્ભે છેતરપિંડી અને કૌભાંડના ચલણવાળી દુનિયામાં ક્યાંક પ્રામાણિકતાનો દીવો ટમટમતો જોવા મળે ત્યારે ‘છેતરપિંડીની દુનિયામાં પ્રામાણિકતા પ્રધાન’ એવી કહેવત બનાવવાની ઈચ્છા થઈ આવે.
સાક્ષરતામાં આપણા દેશના નંબર વન રાજ્ય તરીકે ખ્યાતિ ધરાવતા કેરળના એક વિસ્તારમાં આવેલી એક દુકાન રાજ્યમાં જ નહીં, દક્ષિણ ભારતમાં ચર્ચાનો વિષય બની છે. ના, અહીં કોઈ એક્સક્લુઝિવ પ્રોડક્ટ મળે છે એવી કોઈ વાત નથી, વાત એમ છે કે ‘ભરોસાની ભેંસએ અહીં પાડો જણ્યો’ છે. વિદેશમાં મબલક પૈસા કમાઈ લીધા પછી સ્વદેશ પરત આવેલા એક ગૃહસ્થે રહેવાસીઓની સુવિધા માટે અને પોતાને બે પૈસા મળી રહે એ આશય સાથે એક દુકાન ખોલી. દુકાનમાં, અનાજ, ફરસાણ, મીઠાઈ, દહીં-છાસ જેવી દૈનિક વપરાશની વસ્તુ મળે છે.
મજાની વાત એ છે કે દુકાનમાં ગલ્લા પર કોઈની હાજરી નથી હોતી. ગ્રાહકો આવે છે, જોઈતી ચીજવસ્તુ ઉપાડે છે, એના ઉપર લખેલા ભાવ વાંચી પૈસા રાખવામાં આવેલા બોક્સમાં મૂકી જતા રહે છે. દુકાનદારે કોઈ ગ્રાહકો પર નજર રાખવા નથી કોઈ કેમેરા બેસાડ્યો. એને ઈચ્છા થાય ત્યારે એક લટાર મારી આવે અને ઘટી ગયેલી પ્રોડક્ટના સ્ટોક માટે નોંધ કરી લે. ઈમાનદારી જ સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા છે એવી આ દુકાનના પ્રયોગથી પ્રભાવિત થઈ રાજ્યમાં જવાબદાર યુવકો તૈયાર થાય એ હેતુથી રાજ્યમાં આ જ ધોરણે સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
લ્યો કરો વાત!
દવાની દુકાનમાં આવતા લોકો માટે કેટલીક બાબત ફરજિયાત હોય છે. જો ગ્રાહકને ઓટીસી દવા એટલે કે ઓવર ધ કાઉન્ટર મેડિસિન જોઈતી હોય તો દુકાનદાર માત્ર નામ જાણી ઔષધ એની જરૂરી માત્રા સાથે આપી દેતો હોય છે. જોકે, એવી પણ ઘણી દવા હોય છે જે ઓટીસી નથી હોતી, એને માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય ગણાય છે. એ રજૂ કર્યા પછી જ ફાર્માસિસ્ટ ઔષધ આપવા બંધાયેલો છે.
એક મહાશય દવાની દુકાનમાં જઈને કહેવા લાગ્યા કે ‘અરે ભાઈ, ઊંઘની ટેબ્લેટ આપો તો.’ તરત કેમિસ્ટે સવાલ કર્યો કે ‘તમે પ્રિસ્ક્રિપ્શન લાવ્યા છો?’ પેલા ભાઈએ હા પાડી અને એક ચબરખી કેમિસ્ટના હાથમાં આપી. એ જોઈ દુકાનદાર સહેજ અકળાયો અને પછી બોલ્યો કે ‘આ છેલ્લી વખત ચલાવી લઉં છું. નેક્સ્ટ ટાઈમ ડોક્ટરનું જ પ્રિસ્ક્રિપ્શન જોઈશે, દર વખતે મેરેજ સર્ટિફિકેટ બતાવીને દવા લઇ જાઓ છો એ હવે નહીં ચાલે, શું સમજ્યા?’ ઊંઘ ઊડી જવાના કેવાં કેવાં કારણો હોઈ શકે છે આ અજબગજબની દુનિયામાં, હેં ને!