દેવલ શાસ્ત્રી
માનવજાત અને જંગલી પ્રાણીઓ વચ્ચેના સંબંધનો દુનિયાભરમાં અભ્યાસ કરવામાં આવે છે. જયારે બંને એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે એકબીજાની ક્વોલીટીઓનો જાણે- અજાણે સ્વીકાર કરે છે. ગીરના જંગલમાં સિંહના પરિવારની તસવીર લેતા માણસ તેની જરૂરિયાત અને તકલીફો માટે સંવેદના અનુભવે છે. વહેલી સવારે કાચા માર્ગ પર ચાલતો સિંહ તસવીરકારના વાહન નજીકથી પસાર થઈને માનવીની હાજરી માટે કોઈ પ્રત્યાઘાત આપવાને બદલે તેનો સ્વીકાર કરી લીધો છે.
માનવ સાથે સંબંધ વધતા પ્રાણીઓમાં હિંસાત્મક ભાવના ઘટતી હોવાના અભ્યાસ થયા છે. આ સંબંધમાં પ્રાણીઓ માનવ પાસેથી લાગણી વ્યક્ત કરવા જેવી કેટલીક ક્વોલિટી શીખતા હોય છે. આ અભ્યાસને ‘એન્થ્રોપોમોર્ફિઝમ’ તરીકે ઓળખવામાં આવે છે.
ઓનેર બાલઝાક નામના લેખકે દીપડા અને સૈનિક વચ્ચે બનેલા સ્નેહના સંબંધની અદ્ભુત કથા લખી છે. ઇજિપ્ત અને ફ્રાન્સ વચ્ચેની લડાઈમાં ફ્રાન્સનો એક સૈનિક પકડાઈ જાય છે અને દુશ્મનો વચ્ચેથી રણ જેવા વિસ્તારમાં ભાગી છૂટે છે. લાંબી વિગતોનું વર્ણન કર્યા પછી લેખક લખે છે કે સૈનિક એક ગુફામાં આશરો લે છે. રાત્રે અચાનક ગુફામાં અવાજ આવે છે ત્યારે આ સૈનિકને ખબર પડે છે કે કોઈ જંગલી પ્રાણી નજીકમાં છે. સૈનિક બંદૂકની બૂટ વડે પ્રાણીને મારવા તૈયાર થઇ જાય છે. સવારે એક દીપડી અને તેના બચ્ચાઓને જોઈને તેના મનમાં સહાનુભૂતિ જાગે છે.
એ જ ઘટનાના પરિણામસ્વરૂપ દીપડી પણ સૈનિક તરફ પ્રેમની નજરથી જુએ છે. સૈનિક ધીમેથી ગુફામાંથી છટકવા પ્રયાસ કરે છે, પણ દીપડી તેના પગ ચાટીને જવા દેતી નથી. સૈનિક ગુફાની બહાર નીકળે છે તો તે પણ સાથે જ જાય છે. કથામાં બંને વચ્ચે સહઅસ્તિત્વની વાત લખવામાં આવી છે. પ્રાણી જંગલી હોવાથી તેને લાગણી વ્યક્ત કરતાં આવડતું નથી. તે સૈનિકના પગે બચકું ભરે છે અને સૈનિક તેની કમને બંદૂક થકી હત્યા કરે છે. મરતીવેળા દીપડી સૈનિક તરફ એ જ લાગણી અને વહાલભરી નજરે જુએ છે. સમગ્ર કથામાં એક જંગલી પ્રાણી મનુષ્ય સાથે કેવી રીતે સહઅસ્તિત્વ ધરાવી શકે એની વાત કરી છે.
માનવ અને પ્રાણીઓના સહઅસ્તિત્વને સમજવાની કોશિશ કરીએ. એવું માનવામાં આવે છે કે માનવજાતના ઉદય સાથે તે પ્રાણીઓના સંપર્કમાં આવ્યો. પ્રારંભમાં જીવતા પ્રાણીઓના શિકાર કરવાને બદલે તાજા મૃતદેહમાંથી ખોરાક મેળવતો હતો. માનવ મગજના સર્વાંગી વિકાસમાં આ પોષણયુક્ત ભોજનનો મહત્ત્વનો ભાગ હતો. દશ-બાર હજાર વર્ષ પહેલા ખેતીનો પ્રારંભ થતાં માણસ શિકાર સાથે જરૂરિયાત મુજબ પ્રાણીઓને પાળવાના શરૂ કર્યા.
આ ક્રમમાં ઘેટાંથી પ્રારંભ થયો અને ગાય-બકરીઓ સુધી સહઅસ્તિત્વ વિકાસ પામ્યું. જંગલથી પરિચિત માનવોની આ યાત્રા હાથીઓ અને ઘોડાઓ સુધી સંબંધો વિકસતા ગયા અને કૂતરા જેવા વફાદાર સાથીઓ મળ્યા. આમ તો ઉંદરોના ત્રાસથી બચવા બિલાડીઓ સાથે માણસે સંબંધ શરૂ કર્યો અને સદીઓથી અવિરત સંબંધ બન્યો. લગભગ તમામ પ્રાચીન ધર્મમાં પ્રાણીઓનો ઉલ્લેખ થવા લાગ્યો અને માણસજાતને નવા વિશ્વાસુ સાથી તરીકે પ્રાણીઓ મળ્યા.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીઓને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું. પ્રાણીઓને દેવોના વાહન તરીકે દૈવી સ્થાન મળ્યું. જો કે પશ્ર્ચિમમાં ઘણા વિરોધાભાસ થયા. એરિસ્ટોટલે પ્રાણીઓને તર્કહીન અને માનવથી નીચા માન્યા. જ્યારે પાયથાગોરસ અને પ્લુટાર્ક જેવા ફિલોસોફરે આદર સાથે શાકાહારની વાત કરી.
અંધકારયુગમાં પ્રાણીઓ આત્મા વગરના લાગ્યા, બિલાડીઓને કાળા જાદુ સાથે જોડી દીધી. કેટલીય કથાઓમાં પ્રાણીઓને ફાંસીની સજા સુધીના ઉલ્લેખો લખવામાં આવ્યા છે. આજ પશ્ર્ચિમમાં ત્રણસો વર્ષ પૂર્વે પ્રાણીઓ પરની ક્રૂરતા વિરુદ્ધ કાયદા બન્યા. આ કાયદા વિરુદ્ધ દલીલો કરવામાં આવતી હતી કે જે કશું સમજી શકતા નથી એમના માટે સંવેદનાની જરૂર નથી. જો કે એવી દલીલ કરવામાં આવી કે તે પીડાનો અનુભવ કરી શકે છે. ગાય અને ઘોડાઓની જરૂરિયાત હોવાથી તેમની તરફેણથી કાયદાઓની થયેલી શરૂઆત અન્ય પ્રાણીઓ સુધી પહોંચી.
આખરે 1824માં ‘સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ’ની સ્થાપના કરવામાં આવી. ચાર્લ્સ ડાર્વિને પ્રાણીઓ અને માનવ વચ્ચે સમાનતા દર્શાવી અને તે સજીવ છે જેવી ચર્ચાઓ સાથે પ્રાણીઓ પરની ક્રૂરતા વિરુદ્ધ લડ્યા, તેમણે પ્રાણીઓને માનવીય ભાવનાઓ અને પીડા અનુભવતા માન્યા. અમેરિકામાં જનજાગૃતિ વધતાં એન્થ્રોપોમોર્ફિઝમને વૈજ્ઞાનિક આધાર મળ્યો.
એન્થ્રોપોમોર્ફિઝમ એટલે માનવીય ગુણો, વર્તન, ભાવનાઓ અથવા વિચારોને અમાનવીય વસ્તુઓ, પ્રાણીઓ અથવા કુદરતી ઘટનાઓને સાથે જોડવાની પ્રોસેસ-પ્રક્રિયા ... આમ તો આપણા માટે આ વિચાર પ્રાચીનકાળથી છે, ભગવાન નરસિંહમાં માનવ અને સિંહનો સમન્વય છે. સિંહની હિંસક અને રાજા જેવા ગુણમાં માણસ જોડાઈ ગયો.
એ જ રીતે આપણી કથાઓમાં ભગવાન ગણેશ તેમજ હનુમાનજીની વાતો કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીઓના દેખાવ અને બેઝિક ક્વોલિટીનો માણસજાતે સામાજિક ઉત્થાન માટે ભરપૂર ઉપયોગ કર્યો છે. આ સંબંધની વિભાવના કદાચ પશ્ર્ચિમ ઘણું મોડું સમજ્યું હશે. જો કે કેટલીક ગ્રીક કથાઓમાં સિંહનું મસ્તક અને માનવદેહની પ્રતિકૃતિ લખવામાં આવી છે.
માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચેના સંબંધોમાં એન્થ્રોપોમોર્ફિઝમ એટલે માનવીય ગુણોની પ્રાણીઓ પર થતી અસર સમજવા જેવી છે. સરવાળે પ્રાણીઓ પણ માનવ પાસેથી ઘણું શીખે છે. જંગલી પ્રાણીઓને ટ્રાફિકનો અનુભવ હતો નહીં પણ પેઢીઓના અભ્યાસ પછી એ ટ્રાફિક જોઈને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.
શહેરીકરણમાં જંગલોનો નાશ થતા પ્રતિકૂળ સંજોગોમાં પ્રાણીઓ અને પક્ષીઓ અનુકૂળતા શોધીને ઊંચાઈ પર નિવાસ અથવા માળા કરતાં શીખી ગયા છે. એક અભ્યાસ મુજબ કૂતરા માનવના ચહેરાના હાવભાવ અને અવાજને અનુસરીને પ્રતિસાદ આપતા હોય છે, જે પ્રણાલી માનવ સંપર્કથી શીખ્યા છે. કૂતરા અને બિલાડી સહિતના પ્રાણીઓ માનવની હાજરીમાં તણાવમુક્તિનો અનુભવ કરતા હોવાનું આપણે બધાએ ઘરોમાં જોયું છે.
પશ્ર્ચિમી સંસ્કૃતિમાં માનવોને તેમના પ્રિય કૂતરા, ઘોડા કે પક્ષીઓ સાથે દફનાવવામાં આવતા હતા. યુરોપમાં કેટલીક કબરોમાં માનવ અને પ્રાણીઓને એકસાથે રાખવામાં આવ્યા હતા, જેના પરથી કહી શકાય કે એ લોકો પ્રાણીઓને પરિવારના સભ્ય તરીકે જોતા હતા. ભારતીય પરંપરામાં પણ યુધિષ્ઠિર સાથે એક કૂતરું સ્વર્ગ સુધી ગયું હોવાની કથા છે. આ કથાઓ અને સંશોધનો પરથી એક વાત ચોક્કસ કહી શકાય કે માનવ અને પ્રાણીઓ વચ્ચે સંબંધ હજારો વર્ષ જૂનો છે.
ધ એન્ડ
સિંહ પાસેથી કામની સાથે આરામને સહજતાથી કઈ રીતે લઈ શકાય એ શીખવા જેવું છે. એ શિકાર સહિત તમામ જરૂરી કામ સાથે પૂરતો આરામ કરે છે. આમ વનનો એ રાજા માનવીને કઈ રીતે જીવન સંતુલિત જીવી શકાય એની વાત શીખવે છે