મુંબઈ: બોલીવુડ અને ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય હાલમાં એક ખૂબ જ ખરાબ અનુભવને કારણે ચર્ચામાં છે. હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલી મૌનીએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સેલિબ્રિટીઝ, ખાસ કરીને મહિલા કલાકારોએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા અને સન્માનના અભાવ વચ્ચે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મૌનીએ હિંમત દાખવીને આ ગંભીર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મૌની સિલ્વર ડ્રેસમાં સ્ટેજ પર પરફોર્મ કરતી જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મૌની અત્યંત ગુસ્સામાં છે અને પ્રેક્ષકો તરફ આંગળી ચીંધીને વિરોધ નોંધાવ્યા બાદ અધવચ્ચે જ સ્ટેજ છોડીને જતી રહે છે. જોકે આ વીડિયો તે જ રાતનો છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તેની બોડી લેંગ્વેજ જોઈને લાગે છે કે કોઈએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી.
મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને જણાવ્યું કે, ઇવેન્ટ શરૂ થતાની સાથે જ કેટલાક લોકો ફોટા પડાવવાના બહાને તેની કમર પર હાથ મૂકવા લાગ્યા હતા. મૌનીના કહેવા પ્રમાણે, "બે વ્યક્તિઓ જેની ઉંમર દાદા જેટલી હતી, તેઓ સ્ટેજની બરાબર સામે ઉભા રહીને અશ્લીલ ઈશારા અને ગંદી વાતો કરી રહ્યા હતા. જ્યારે મેં વિરોધ કર્યો તો તેમણે મારા પર ગુલાબના ફૂલ ફેંકવાનું શરૂ કર્યું." આટલું જ નહીં, કેટલાક લોકો નીચેથી લો-એંગલ વીડિયો પણ બનાવી રહ્યા હતા, જે અત્યંત શરમજનક હતું.
આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ મૌનીના સમર્થનમાં આવ્યા છે. લોકોએ કહ્યું કે, "કોઈને પૈસા આપીને બોલાવવાનો અર્થ એ નથી કે તમે તેમને હેરાન કરી શકો." ચાહકોએ મૌનીના સ્ટેજ છોડીને જવાની પ્રશંસા કરતા લખ્યું કે પોતાની ડિગનીટી જાળવવી સૌથી વધુ જરૂરી છે. ઘણા યુઝર્સે ત્યાં હાજર સિક્યોરિટી ટીમ પર પણ સવાલો ઉઠાવ્યા છે કે જ્યારે અભિનેત્રી સાથે આવું થઈ રહ્યું હતું ત્યારે તેઓ શું કરી રહ્યા હતા?

મૌનીએ દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, અમે કલાકારો કોઈના સેલિબ્રેશનનો હિસ્સો બનવા જઈએ છીએ અને ત્યાં મહેમાન તરીકે અમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે. આ ઘટનાએ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ અને લોકોની માનસિકતા પર ફરી એકવાર સવાલિયા નિશાન લગાવી દીધું છે. મૌનીની આ લડત અન્ય મહિલા કલાકારો માટે પણ અવાજ ઉઠાવવાનું માધ્યમ બની છે.