થાણે: ડોંબિવલીના વેપારી સાથે શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરને નામે 77.10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર 17 નવેમ્બર, 2025થી 8 જાન્યુઆરી, 2026 દરમિયાન આ છેતરપિંડી આચરાઇ હતી.
ફરિયાદી પ્રશાંત પ્રભુ (43)નો નંબર વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કરવામાં આવ્યો હતો અને તેને શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરનું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું.
ફરિયાદીએ 77.10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પણ તેને ન તો કોઇ વળતર મળ્યું હતું કે ન તેને રોકેલા રૂપિયા પાછા મળ્યા હતા. ફરિયાદીએ આરોેપીઓનો સંપર્ક સાધ્યો હતો, પણ આરોપી તેને ટાળવા લાગ્યા હતા.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ માનપાડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની શોેધ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)