પુણે: પુણેમાંથી જપ્ત કરવામાં આવેલા 10 કિલો જેટલા કથિત નશીલા પદાર્થના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. શિરુર પોલીસે 17 જાન્યુઆરીએ શાદાબ શેખ (41)ની ધરપકડ કરી અંદાજે બે કરોડ રૂપિયાનું દોઢ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસની તપાસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી મેફેડ્રોન અથવા અલ્પ્રાઝોલમ નામનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી શેખની પૂછપરછમાં જ્ઞાનદેવ શિંદે, હૃષીકેશ ચિત્તર અને મહેશ ગાયકવાડનાં નામ સામે આવ્યાં હતાં. આરોપીઓને તાબામાં લઈ તેમની પાસેથી વધુ નવ કિલો ડ્રગ્સ હસ્તગત કરાયું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી ચિત્તરે આ ડ્રગ્સ અહિલ્યાનગર જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શ્યામસુંદર ગુજર પાસેથી મેળવ્યું હતું. ડ્રગ્સ સંબંધી કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સમાંથી ગુજરે એ ચોર્યું હતું અને ચિત્તરને વેચ્યું હતું. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)