પુણે: દહેજ માટે અપાતા ત્રાસથી કંટાળીને 30 વર્ષની પુત્રવધૂએ આત્મહત્યા કર્યાના ત્રણ દિવસ બાદ તેના પતિ અને સાસુની ધરપકડ કરવામાં આવી હતી. પૈસાની વારંવાર માગણી કરવા ઉપરાંત સાસરિયા દ્વારા તાજેતરમાં પુત્રવધૂને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું, કારણ કે ગર્ભમાં દીકરી હતી.
દીપ્તિ ચૌધરી (30)એ 24 ફેબ્રુઆરીએ હવેલી તાલુકાના સોરતાપવાડી વિસ્તારમાં તેના સાસરે ગળાફાંસો ખાધો હતો. મૃતકની માતાએ આ પ્રકરણે ઉરુલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું, દહેજ મૃત્યુ તેમ જ પ્રી-ક્ધસેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દીપ્તિના પતિ રોહન કારભારી ચૌધરી અને સાસુ સુનિતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. સુનિતા ચૌધરી ગામની સરપંચ છે. દીપ્તિના સસરા કારભારી ચૌધરી અને દિયર રોહિત ચૌધરીના નામે એફઆઇઆરમાં આરોપી તરીકે છે, પણ હજી તેમની ધરપકડ કરાઇ નથી.
પોલીસ ફરિયાદ અનુસાર દીપ્તિનાં લગ્ન 23 નવેમ્બર, 2019ના રોજ રોહન ચૌધરી સાથે થયાં હતાં. થોડા મહિના બાદ ચારિત્ર્ય પર શંકાને લઇ રોહન દ્વારા તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું અને વારંવાર તેનું અપમાન કરવામાં આવતું હતું.
દંપતીને પુત્રી છે, પણ સાસરિયાંએ પુત્રીના જન્મ પર નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં તેમણે વ્યવસાયમાં નુકસાન થયું હોવાનો દાવો કરીને દીપ્તિનાં માતા-પિતા પાસે પૈસાની માગણી કરી હતી, જેમણે તેમને 10 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે આનાથી સંતુષ્ઠ ન થયેલા રોહને બીજા પચીસ લાખ રૂપિયા માગ્યા હતા અને કહ્યું હતું કે દીપ્તિનાં માતા-પિતાએ લગ્ન સમયે તેને કાર આપી નહોતી. તેમણે રોકડ આપીને એ માગણી પણ પૂર્ણ કરી હતી.
વધુમાં દીપ્તિને લગ્ન વખતે મળેલા પચીસ તોલા સોનાના દાગીના સાસરિયાંએ લઇ લીધા હતા અને વ્યવસાય માટે ભંડોળ એકઠું કરવા દાગીના ગિરવે મૂક્યા હતા. (પીટીઆઇ)