થાણે: સોલાપુર જિલ્લામાં ભાવિકોને લઇ જનારી વૅનને પૂરપાટ વેગે આવનારી ટ્રક ટક્કર મારતાં ડોંબિવલીના બાળક સહિત ચાર જણનાં ગંભીર ઇજાને કારણે મોત થયાં હતાં, જ્યારે અન્ય 10 જણ ઘાયલ થયા હતા.
મંગલવેધા તાલુકાના દેગાંવ શિવારા ગામ નજીક સોમવારે સાંજના આ અકસ્માત થયો હતો, જ્યારે ભાવિકો અનેક ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા બાદ પંઢરપુર જઇ રહ્યા હતા.
થાણે જિલ્લાની પોલીસના જણાવ્યા અનુસાર ડોંબિવલી પૂર્વના ઉમેશનગર વિસ્તારમાં રહેનારા 12 ભાવિકોનું જૂથ દિવા વિસ્તારમાં રહેતા તેમના કેટલાક સંબંધીઓ સાથે સોલાપુર, કોલ્હાપુર તેમ જ નજીકના ધાર્મિક સ્થળોએ જવા માટે નીકળ્યું હતું.
ધારાશિવ જિલ્લામાં તુળજા ભવાની મંદિર તથા અન્ય મંદિરના દર્શન કર્યા બાદ તેઓ પંઢરપુર જવા માટે રવાના થયા હતા, ત્યારે સાંજે 7.30 વાગ્યે પૂરપાટ વેગે આવી રહેલી ટ્રકે તેમની વેનને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ભાવિકો સોનમ આહિરે, સવિતા ગુપ્તા અને યોગિની કેકાનેના ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ઘવાયેલા બાળકનું સોલાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે વૅનના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અમુક ભાવિકો ઉછળીને રસ્તા પર પટકાયા હતા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવરને તાબામાં લેવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે રજા આવતી હોવાથી તેમણે પ્રવાસનું આયોજન કર્યું હતું. પંઢરપુરમાં દર્શન કર્યા બાદ તેઓ ઘરે પાછા ફરવાના હતા. અમે ક્યારેય આવી દુર્ઘટનાની કલ્પના કરી નહોતી, એમ કેકાને પરિવારના સભ્યએ કહ્યું હતું.
અન્ય સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે મોટા ભાગના મૃતકો ઉમેશનગરની શેવંતા હાઇટ્સ ઇમારતમાં રહેતા હતા. આખો વિસ્તાર આઘાતમાં છે. અકસ્માતમાં ઘવાયેલા 10 જણમાં મહિલા અને બાળકનો સમાવેશ હોઇ તેમને સોલાપુર જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)