(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સાર્વજનિક ઠેકાણે કાયદાકીય મંજૂરી વગર બેનર લગાડનારા વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકાએ આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમાં ગામદેવી, મલબાર હિલ અને ડૉ. દાદાસાહેબ ભડકમકર માર્ગ પોલીસ સ્ટેશનમાં પાલિકાએ એફઆઈઆર નોંધાવી છે.
પાલિકા પ્રશાસનની હદમાં તાત્પૂરતા સ્વરૂપમાં જાહેરાત પ્રદર્શિત કરવા માટે જગ્યા ઉપલબ્ધ કરી આપવામાં આવી હોવા છતાં અમુક સંસ્થા અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા રસ્તાની બંને તરફ રહેલા વીજળીના થાંભલા પર ગેરકાયદે રીતે બેનરો લગાડવામાં આવતા હોેય છે. પાલિકાના લાઈસન્સ વિભાગ દ્વારા ગેરકાયદે રીતે બેનરો લગાડનારી સંસ્થા સામે ગામદેવી, મલબાર હિલ, ડૉ. ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાલિકા દ્વારા ૨૧ અને ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ આ બે દિવસ કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ ૪૧ બેનર હટાવવામાં આવ્યા હતા.
લાઈસન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ડી’ વોર્ડમાં પેડર રોડ, પંડિત રમાબાઈ રોડ, ભુલાભાઈ દેસાઈ રોડ, વાલકેશ્ર્વર, મલબાર હિલ, ડૉ. ડી. બી. માર્ગ, મૌલાના શૌકત અલી રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ તેમ જ રાજા રામમોહન રોડ જેવા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પાલિકાએ મંજૂરી આપેલી જગ્યાએ નિયમ મુજબ મંજૂરી લઈને જાહેરાતો લગાડવાની અપીલને નહીં ગણકારીને ગેરકાયદે રીતે ગમે ત્યાં બેનર, પોસ્ટરો તથા હૉર્ડિંગ્સ લગાડવાના વિરોધમાં કાર્યવાહી આગામી દિવસમાં પણ ચાલુ રહેશે એવી ચેવતણી પ્રશાસને આપી છે.
હાઈ કોર્ટના નિર્દેશ મુજબ પાલિકાની હદમાં સાર્વજનિક ઠેકાણે જેમ કે સાર્વજનિક રસ્તા તેમ જ ફૂટપાથ પર મંજૂરી વગર કોઈ પણ પ્રકારના બોર્ડ, બેનર, પોસ્ટર લગાડવા પર પ્રતિબંધ છે. મંજૂરી વગર કોઈ પણ જાહેરાતના બોર્ડ, હૉર્ડિંગ, પોસ્ટર લગાડનારી વ્યક્તિ અને સંસ્થા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. નિયમનો ભંગ કરનારા સામે પોલીસમાં ગુનો દાખલ કરવા સહિત કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવે છે.