ભારતે શનિવારે ન્યૂ ઝીલૅન્ડને સાત વિકેટે હરાવ્યુંઃ કૅપ્ટન મ્હાત્રેના છ છગ્ગા, બે ચોગ્ગા
હરારેઃ ભારતની નૅશનલ ટી-20 ટીમે શુક્રવારે રાયપુરમાં ન્યૂ ઝીલૅન્ડને ઇશાન કિશન (76 રન) અને સૂર્યકુમાર યાદવ (82 અણનમ)ના ધમાકેદાર પર્ફોર્મન્સથી હરાવી દીધું ત્યાર બાદ હવે અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ ભારતના હાથે ન્યૂ ઝીલૅન્ડે પછડાટ ખાવી પડી છે. ન્યૂ ઝીલૅન્ડને હરાવનાર આયુષ મ્હાત્રેની ટીમ પહેલી ફેબ્રુઆરીએ સુપર-સિક્સીસ રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટકરાશે. એ મહા મુકાબલો બપોરે 1.00 વાગ્યે શરૂ થશે.
શનિવારે ન્યૂ ઝીલૅન્ડની જુનિયર ટીમને માત્ર 135 રનમાં ઑલઆઉટ કર્યા પછી ભારતને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ 37 ઓવરમાં 130 રન કરવા કહેવામાં આવ્યું હતું.
ભારતીય જુનિયર ટીમે કૅપ્ટન આયુષ મ્હાત્રે (53 રન, 27 બૉલ, છ સિક્સર, બે ફોર) અને વૈભવ સૂર્યવંશી (40 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ના મોટા યોગદાનની મદદથી માત્ર 13.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 130 રન કરીને સાત વિકેટના તફાવતથી (141 બૉલ બાકી રાખીને) વિજય મેળવ્યો હતો.
એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડને 135 રનમાં આઉટ કરાવવામાં બે પેસ બોલર આર. એસ. અંબરિશ (29 રનમાં ચાર વિકેટ) અને વલસાડના હેનિલ પટેલ (23 રનમાં ત્રણ વિકેટ)ની સૌથી મોટી ભૂમિકા હતી. મોડાસાના ખિલન પટેલ તેમ જ મોહમ્મદ એનાન અને કનિષ્ક ચૌહાણે એક-એક વિકેટ લીધી હતી.