ગુવાહાટીઃ ભારતે (India) ન્યૂ ઝીલૅન્ડને પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પહેલી બન્ને મૅચમાં હરાવ્યું ત્યાર બાદ હવે રવિવાર, 25મી જાન્યુઆરી એ (સાંજે 7.00 વાગ્યાથી) ગુવાહાટી (Guwahati)માં ત્રીજી મૅચ રમાશે જે જીતીને વિજયની હૅટ-ટ્રિક કરવાનો અને 3-0થી વિજયી સરસાઈ મેળવવાનો ભારતને મોકો છે.
પહેલી મૅચમાં કિવીઓ (Kiwis)ની અભિષેક શર્મા (84 રન) તથા રિન્કુ સિંહે (44 અણનમ) બૅટિંગમાં અને વરુણ ચક્રવર્તી (બે વિકેટ) તથા શિવમ દુબે (બે વિકેટ)એ બોલિંગમાં ખબર લઈ નાખી હતી.

બીજી મૅચમાં ઇશાન કિશન (76 રન) તથા સૂર્યકુમાર (82 અણનમ)એ કિવીઓ માટે માથાનો દુખાવો થઈ ગયા હતા.
હવે આ બે સુપર-શૉ બાદ ન્યૂ ઝીલૅન્ડે આ જ ખેલાડીઓ અથવા અન્ય પ્લેયર્સના પર્ફોર્મન્સ માટે તૈયાર રહેવું પડશે અને સિરીઝની હારથી રવિવારે જ બચવું પડશે. શુક્રવારે ભારતે 209 રનનો પોતાનો હાઇએસ્ટ સફળ ચેઝ મેળવ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડે ભારતના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સામે સિરીઝના પરાજયથી બચવું તો મુશ્કેલ છે જ, ભારત 5-0થી વાઇટવૉશ કરી શકે એવી સંભાવના પણ નકારી ન શકાય.