Tue Jan 27 2026

Logo

White Logo

T20 વર્લ્ડ કપ: અનિલ કુંબલેએ વરુણ ચક્રવર્તીને ગણાવ્યો ભારતનો 'ટ્રમ્પ કાર્ડ', જાણો કેમ?

4 hours ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ આગામી મહિને યોજાનારા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગનું નેતૃત્વ કરવા માટે લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તીનું સમર્થન કર્યું છે. 

કુંબલેનું માનવું છે કે તેમને સાંજના સમયમાં ઝાકળનો સામનો કરવામાં કોઈ સમસ્યા થશે નહીં પરંતુ કુલદીપ યાદવ જેવા સ્પિનરો માટે વધુ સમસ્યારૂપ બની શકે છે. ટી-20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે.

એક કાર્યક્રમમાં કુંબલેએ કહ્યું હતું કે ઝાકળ ચોક્કસપણે ટુર્નામેન્ટમાં ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે, "ખાસ કરીને ફેબ્રુઆરી અને માર્ચમાં વર્લ્ડ કપ દરમિયાન જ્યારે મેચ મોડી સાંજે રમાશે. તે સરળ રહેશે નહીં. સ્પિનર તરીકે તમે ભીના બોલથી બોલિંગ કરવા ટેવાઈ જાઓ છો. તે કંઈ નવું નથી." કુંબલેએ કહ્યું હતું કે, "ભારત ચોક્કસપણે એક વાતથી રાહત મેળવી શકે છે કે મને નથી લાગતું કે ઝાકળ વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીને અસર કરશે. તે જે રીતે બોલને પકડે છે, તે જે ગતિથી બોલિંગ કરે છે, તે તેના પર અસર કરશે નહીં."

ભારતના સ્પિનર્સ વરુણ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ કુંબલેએ તમિલનાડુના આ ખેલાડીને સ્પિનરોમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ ગણાવ્યો હતો. 

કુંબલેએ કહ્યું હતું કે, "મને નથી લાગતું કે ઝાકળ તેને (વરુણ) વધારે પરેશાન કરશે. હા, તે સૂકા બોલથી બોલિંગ કરવા જેવું નથી પરંતુ ચોક્કસપણે ભીના બોલથી બોલિંગ કરવા જેવું છે. મને નથી લાગતું કે વરુણને વધુ સંઘર્ષ કરવો પડશે. એ જ રીતે અક્ષર પટેલને પણ વધુ સમસ્યા થશે નહીં. કુલદીપ યાદવને તેની બોલિંગ સ્ટાઈલના કારણે ભીના બોલથી વધુ મુશ્કેલી પડી શકે છે.

કુંબલેનું માનવું છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પાસે સતત બીજી વખત ટાઇટલ જીતવાની ખૂબ સારી તક છે, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં કોઈ ટીમે હાંસલ કરી નથી. મને લાગે છે કે જ્યારે વર્લ્ડ કપની વાત આવે છે ખાસ કરીને ટી-20 ફોર્મેટમાં સતત ટાઇટલ જીતવું સરળ નથી. કોઈ પણ ટીમ તેના ટાઇટલનો બચાવ કરી શકી નથી અને આ ભારત માટે આવું કરવાની એક શ્રેષ્ઠ તક છે."