નવી દિલ્હી: સાતમી ફેબ્રુઆરીએ ભારત અને શ્રીલંકામાં શરૂ થનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને આઈસીસીએ બહાર કરીને સ્કૉટલૅન્ડને એના સ્થાને ગોઠવી દીધું ત્યાર બાદ બદમાશ પાકિસ્તાન (PAKISTAN) ડબલ ગેમ રમી રહ્યું છે જેનું એણે બહુ ખરાબ પરિણામ ભોગવવું પડશે એવું કેટલાક અહેવાલો કરતી જાણવા મળે છે. એવું પણ મનાય છે કે જો પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાંથી હટી જશે તો આઈસીસી બાંગ્લાદેશને કદાચ પાછું બોલાવશે.
પાકિસ્તાનને ભારત સામેની મૅચ નથી રમવી?
બાંગ્લાદેશ (Bangladesh) પોતાના ખેલાડીઓને ભારતના પ્રવાસે નહોતું મોકલવા માગતું એટલે આઈસીસી (ICC)એ એને વર્લ્ડ કપમાંથી કાઢી મૂક્યું. બાંગ્લાદેશની વર્લ્ડ કપમાંથી બાદબાકી થઈ જશે તો પોતે પણ એમાંથી નીકળી જશે એવી અગાઉ જોરશોરથી જાહેરાત કરનાર નફ્ફટ પાકિસ્તાને હજી સુધી એવો કોઈ નિર્ણય લીધો. કહેવાય છે કે પાકિસ્તાન જો વર્લ્ડ કપમાં રમવા તૈયાર થઈ જશે તો પણ 15મી ફેબ્રુઆરીની કોલંબો ખાતેની ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવા પાકિસ્તાન વિચારી રહ્યું છે.

બીજી ફેબ્રુઆરી સુધીમાં પાકિસ્તાનનો ફેંસલો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહેવડાવ્યું છે કે વડા પ્રધાન શેહબાઝ શરીફની સલાહ બાદ ક્રિકેટ બોર્ડ શુક્રવાર, બીજી ફેબ્રુઆરી સુધીમાં આખરી નિર્ણય જણાવશે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન રમશે કે નહીં.
આઈસીસીની પાકિસ્તાનને પ્રતિબંધોની ચેતવણી
આઈસીસીએ બે દિવસ પહેલાં જ જાહેર કર્યું હતું કે જો બાંગ્લાદેશના સપોર્ટમાં પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી નીકળી જશે તો પાકિસ્તાન પર આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવશે જેમ કે એશિયા કપમાંથી પાકિસ્તાનની બાદબાકી થઈ શકે, પાકિસ્તાનની વિપક્ષી સિરીઝો પણ અટકી શકે અને પાકિસ્તાન સુપર લીગમાં રમવા આવતા વિદેશી ખેલાડીઓને પોતપોતાના દેશના ક્રિકેટ બોર્ડના નો ઑબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) ન પણ મળી શકે.
આઈસીસી કેવી રીતે બાંગ્લાદેશને ફરી બોલાવશે?
પાકિસ્તાન વર્લ્ડ કપનો બંગલા દેશને કારણે બહિષ્કાર કરે એ ખુદ પાકિસ્તાનના હિતમાં નથી, કારણકે એની પોતાની બધી મૅચો શ્રીલંકામાં જ રમાવાની છે. એક જાણીતી ક્રિકેટ વેબસાઈટના અહેવાલ અનુસાર પાકિસ્તાન જો વર્લ્ડ કપમાં નહીં રમવાનો નિર્ણય લેશે તો આઈસીસી બાંગ્લાદેશને પાછું બોલાવશે. એનું કારણ એ છે કે પાકિસ્તાન આઉટ થઈ જતાં શ્રીલંકામાં રમાનારી પાકિસ્તાનની બધી મૅચોના સ્લૉટ ખાલી પડી જશે એટલે આઇસીસી એ સ્થાનો પર બાંગ્લાદેશને ગોઠવી દેશે.
પાકિસ્તાન બંને રીતે બદનામ થઈ શકે
એવું થશે તો (આઇસીસી જો બાંગ્લાદેશને પાછું બોલાવશે તો) પાકિસ્તાન મૂરખ બની જશે અને બાંગ્લાદેશ ફાવી જશે. જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમશે તો અગાઉ બાંગ્લાદેશને એણે આપેલા પોતાના બહિષ્કારના સપોર્ટનું સુરસુરિયું થઈ જશે. બીજી રીતે કહીએ તો પાકિસ્તાને બાંગ્લાદેશને દગો આપ્યો કહેવાશે.