મહેસાણા: ગુજરાતના એક ગામમાં વ્યસનમુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે તેમજ દારૂના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા ગ્રામજનો એકત્ર થયાં છે. ગ્રામજનોએ એકત્ર થઈને અનોખ નિર્ણય કરવામાં આવ્યો હતો. મહેસાણાથી 50 કિલોમીટર દૂર આવેલા ખેરાલુ તાલુકાનું પાન્છા ગામમાં કુલ 3500થી લોકો રહે છે. ગામના કેટલાક લોકો દેશી દારૂના રવાડે ચડી જતા અને છેલ્લા બે વર્ષમાં પાંચ જેટલા યુવકોનું દારૂ પીવાને કારણે મોત નિપજ્યું હતું. જેથી ગામના લોકોએ એક થઈને દારૂના બહિષ્કાર અંગેનો નિર્ણય કર્યો છે અને ગામમાં એક વિશેષ સમિતિની રચના પણ કરવામાં આવી છે.
દારૂબંધીના ચૂસ્ત અમલ માટે ગ્રામસભામાં એક અનોખો નિર્ણય
પાન્છા ગામે સરપંચ અને પંચાયતના સભ્યોની જાહેરાત બાદ તમામ સમાજના યુવાનો અને વડીલો એકત્ર થયા અને એક મોટી ગ્રામસભાનું આયોજન કર્યું હતું. ગામને નશામુક્ત બનાવવા તમામ ગ્રામજનોએ એક અવાજે બાહેંધરી આપી હતી. દારૂની બદીને જડમૂળથી ઊખેડી ફેંકવા માટે આગેવાનો પણ એક થયાં હતાં. જેથી હવે કોઇપણ યુવાન કે વડીલનું દારૂના કારણે મોત ના થાય! આ ગામમાં દારૂબંધીના ચૂસ્ત અમલ માટે ગ્રામસભામાં એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જાહેર રોડ પર વાહન પાર્કિંગ કરવા પર પ્રતિબંધ
ગામજનોએ ગામમાં એક વિશેષ 'પાંજરૂં' બનાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ પીતા અથવા નશો કરેલી હાલતમાં પકડાય તો તેને આ પાંજરામાં પૂરવામાં આવશે. અન્ય પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. જેમ કે, રાત્રે 11 વાગ્યા પછી જાહેર ચોક, મંદિર કે મસ્જિદ જેવા જાહેર સ્થળોએ બેસવા પર પ્રતિબંધ, પાણીનો બગાડ અટકાવવા ગામમાં પાણીના મીટર નાખવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી જાહેર રોડ પર વાહન પાર્કિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.