Tue Jan 27 2026

Logo

White Logo

એકસ્ટ્રા અફેરઃ સ્કૂલોમાં બોમ્બની ધમકી, નવી સાયબર વોર સામે આપણે કેમ લાચાર?

3 days ago
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઈ વિઘ્ન ના આવે એ માટે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવા માટે આખા દેશની એજન્સીઓ કામે લાગેલી છે ત્યારે અમદાવાદની સ્કૂલોને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ગુજરાત પોલીસ ધંધે લાગી ગઈ છે. બપોરે 1.11 વાગ્યે સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી તેથી તાત્કાલિક પોલીસે બધી સ્કૂલોમાં દોડી જવું પડ્યું ને સ્કૂલો ખાલી કરાવવી પડી. હજારોની સંખ્યામાં બાળકો હોવાથી કોઈ જોખમ લઈ શકાય તેમ નહોતું તેથી સ્કૂલોએ વાલીઓને ફોન કરીને બોલાવ્યા તેમાં વાલીઓ પણ ધંધે લાગી ગયા.

ચાલુ દિવસમાં કામ-ધંધે ગયેલા વાલીઓએ બધું પડતું મૂકીને છોકરાંને લેવા માટે સ્કૂલોમાં દોડવું પડ્યું. આ બધી દોડધામમાં ધમકી મળી હતી એ સ્કૂલોની આસપાસ બેફામ ટ્રાફિક થઈ ગયો અને અંધાધૂંધી તથા અરાજકતા સર્જાઈ ગઈ. નોઈડાની આ સ્કૂલને ઉડાવી દેવાની ધમકીનો મેલ મળેલો તેથી ત્યાં પણ દોડધામ થઈ ગઈ ને અમદાવાદ જેવી જ અંધાધૂંધી તથા અરાજકતા સર્જાઈ ગયાં. ત્રણ મહિનામાં આ ત્રીજી વાર સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીના ઈ-મેલ મળ્યા છે. આ પહેલાં 17 ડિસેમ્બરે આવો જ ઈ-મેલ મળતાં સૌ દોડતાં થઈ ગયાં હતાં. તેના પંદરેક દિવસ પહેલાં પણ આવો જ ઈ-મેલ મળેલો. 

અમદાવાદ શહેરની 15થી વધુ સ્કૂલોને એક સાથે ઉડાવી દેવાની ધમકી આપતા  ઇ-મેઇલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવાયા છે. મેલમાં એવું લખાણ છે કે, મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે તેથી ગુજરાત પણ ખાલિસ્તાનીઓનું દુશ્મન છે એટલે તાકાત હોય તો તમારા બાળકને બચાવી લો. 

ઈ-મેલમાં એવી ધમકી પણ અપાઈ છે કે, 26મી જાન્યુઆરીએ સ્કૂલોમાં તિરંગો ન ફરકાવતા નહીંતર છોકરાંનું આવી બનશે. આ પહેલાં મળેલા આ પ્રકારના ધમકીના ઈ-મેલમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા હતા જ્યારે આ વખતના ઈ-મેલમાં અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે સાથે બાંગ્લાદેશ જિંદાબાદ પણ લખાયેલું છે. 

26 જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિન છે તેથી સ્કૂલોમાં તેની ભવ્ય ઉજવણી થાય છે. છોકરાં પાસે ડાન્સ, ડ્રામા સહિતની આઈટમ્સ તૈયાર કરાવીને પરફોર્મ કરાવાય છે. છોકરાંને આ બધું ગમતું હોય છે હોંશે હોંશે ભાગ લે છે. ગુજરાતમાં અત્યારે ફુલગુલાબી ઠંડી હોવાથી વાતાવરણ આહ્લાદક છે એટલે ત્રણ-ચાર કલાકના કાર્યક્રમમાં છોકરાં મોજ-મજા ને ધિંગામસ્તી કરી લે તો વાંધો ના આવે પણ આ ધમકીને ઈ-મેલના કારણે મૂંઝવણ ઊભી થઈ ગઈ છે.  

ઈ-મેલમાં તો તિરંગો પણ નહીં ફરકાવવાની ધમકી અપાઈ છે પણ પ્રજાસત્તાક દિને તિરંગો ના ફરકાવીએ તો ધમકીથી ડરી ગયા અને કાયર સાબિત થયા એવું લાગે. સામે તિરંગો ફરકાવીને ભવ્ય ઉજવણી કરાય કે ના કરે નારાયણ ને કશુંક અજુગતું બને તો કાળી ટીલી લાગી જાય તેથી સ્કૂલોની મૂંઝવણ સમજી શકાય એવી છે. 

આ સ્થિતિ ખરેખ શરમજનક કહેવાય. આપણે આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે વિચાર કરવો પડે કે ડરી ડરીને કરવી પડે એ ખરેખર તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે પણ કમનસીબે આપણા શાસકોમાં કે પોલીસ સહિતની એજન્સીઓમાં લાજ-શરમ નથી તેથી આ દેશની પ્રજાએ નાલેશીની સ્થિતિમાં મુકાવું પડે છે. પોલીસ અને એજન્સીઓ એ રીતે જવાબદાર છે કે, આ ધમકીઓ આપનાર સુધી પહોંચી શકતાં નથી. ધમકી મળે પછી પોલીસ દોડીને સ્કૂલે પહોંચે છે પણ એ પહેલાં ધમકી અપનારાં સુધી પહોંચી શકતી નથી એ ઢાંકણીમાં ડૂબી મરવા જેવું જ કહેવાય કેમ કે આ ધમકી પહેલી વાર નથી મળી. 

પહેલી વાર ધમકી મળી ત્યારે પોલીસ ઊંઘતી ઝડપાઈ એ સમજી શકાય પણ એ પછી પોલીસે ધમકી આપનારા કોણ છે એ શોધી કાઢવું જોઈએ પણ પોલીસ સહિતની એજન્સીઓ તેમાં નિષ્ફળ નિવડી છે. અમદાવાદની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી છેલ્લે ગયા મહિને મળેલી ને એ વાતને 36 દિવસ થઈ ગયા. 36 દિવસમાં પોલીસ કે બીજી એજન્સીઓને ક્યાંથી ધમકીઓ આવે છે તેની ખબર સુધ્ધાં નથી પડી તેનાથી વધારે શરમજનક શું હોય?
 
આપણા શાસકો પોલીસ કે એજન્સીઓ પર આ હલકટો સુધી પહોંચવા માટે જરૂરી દબાણ પેદા કરી શકતા નથી એ તેમની નિષ્ફળતા કહેવાય. શાસકો ભારત ટેકનોલોજીમાં અવ્વલ થઈ ગયું હોવાના ફડાકા મારે છે. ભારત વિશ્વગુરુ બની ગયું હોવાની ગુલબાંગો મારે છે પણ આ ધમકીઓ ના મૂળ સુધી નથી પહોંચી શકતા પછી કેવા વિશ્વગુરુ? હમણાં જ મોદી સરકારના મંત્રી અશ્વિની વૈષ્ણવે ડંફાશ મારી કે, ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં વિશ્વમાં ટોચના દેશોમાં આવે છે. એઆઈ તો નેક્સ્ટ જેન ટેકનોલોજી છે જ્યારે ઈ-મેલ તો વરસો જૂની ટેકનોલોજી છે પણ આપણે તેના મૂળ લગી ના પહોંચી શકતા હોઈએ તો એ કેવો ટેક પાવર કહેવાય ? 

અત્યાર સુધીનો અનુભવ એવો છે કે, આ ધમકીઓ પોકળ સાબિત થઈ છે. મતલબ કે, ખાલી ડર પેદા કરવા માટે અને તંત્રને દોડતા કરવા માટે ધમકીના ઈ-મેલ મોકલાય છે. તેનો અર્થ એ થયો કે, કોઈ મોટું સંગઠન આ ધમકીઓ પાછળ નથી પણ કોઈ અટકચાળાં કરી રહ્યું છે. આ વાત તો વધારે શરમજનક કહેવાય કે, આપણે અટકચાળાં કરનારા ફાલતુ લોકો સુધી પણ પહોંચી શકતા નથી. તેમનો કાંઠલો પકડીને જેલમાં નાખવાના હોય ને દાખલો બેસાડવાનો હોય કે જેથી કોઈ અટકચાળું કરતાં પહેલાં સો વાર વિચાર કરે પણ આપણે તેમના સુધી પહોંચી જ શકતા નથી પણ દાખલો તો શું કંકોડાં બેસાડવાના? 

આપણી પોલીસ અને એજન્સીઓમાં કદાચ એ સમજવાની ક્ષમતા જ નથી કે, આ ધમકીભર્યા ઈ-મેલ નવા પ્રકારની સાયબર વોર છે. તેના કારણે લોકોમાં ફફડાટ તો ફેલાય જ છે પણ પ્રોડક્ટિવિટીને પણ ભારે અસર પડે છે. ધમકીના મેલના કારણે સ્કૂલો બંધ કરવી પડે, વાલીઓ દોડતાં થઈ જાય તેની અસર આર્થિક બાબતો પર પણ પડે કેમ કે આ બધામાં જતો સમય ફાલતુગીરીમાં વેડફાય છે. આ પ્રકારના ઈ-મેલ સતત આવ્યા કરે તેના કારણે વાલીઓ, બાળકો, સ્કૂલના સ્ટાફ વગેરે પણ સતત સ્ટે્રસમાં રહેવા માંડે ને તેના કારણે સર્જાતી માનસિક સમસ્યાઓ અતિ ગંભીર હોય છે. 

આ બધું નુકસાન રોકવા માટે ધમકીના ઈ-મેલ મોકલનારાંના નેટવર્કને રફેદફે કરવું પડે. જરૂરી નથી કે આ ઈ-મેલ ભારતમાંથી જ કરાતા હોય. આ સંજોગોમાં  દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને આ હરકતો કરનારને રોકવાની તાકાત પેદા કરવી પડે. પોલીસ અને એજન્સીઓમાં લાંચ આપીને કે ચાપલૂસી કરીને ઘૂસેલા નમૂનાઓને કાઢીને તેજતર્રાર યંગસ્ટર્સને ભરવા પડે પણ એ બધું શક્ય થતું નથી તેની કિમત સામાન્ય લોકો ચૂકવે છે.