બોલીવૂડ સિંગર પલક મુચ્છલના ભાઈ અને જાણીતા મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ હાલમાં ગંભીર વિવાદમાં ફસાયા છે. ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન કેન્સલ થયા બાદ હવે પલાશ પર છેતરપિંડી અને લાખો રૂપિયાની ઉચાપતના આરોપો લાગ્યા છે. એક્ટર અને ફિલ્મમેકર વિજ્ઞાન માનેએ પલાશ અને તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, હવે આ બાબતે પલાશે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને ખુલાસો કર્યો છે. ચાલો જોઈએ શું કહ્યું છે પલાશે...
પલાશ મુચ્છલે પોતાની સામે કરવામાં આક્ષેપો પર મૌન તોડ્યું છે. પલાશે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને આ બાબતે સ્પષ્ટતા કરી છે. તેણે પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે વિજ્ઞાન માને દ્વારા મારા પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. મારા માટે જે પણ વાતો થઈ રહી છે તેમાં બિલકુલ સચ્ચાઈ નથી. આ બધી વસ્તુઓ મારી આબરૂના ધજાગરા ઉડાવવા માટે કહેવાઈ રહી છે અને હું આ લોકોને છોડીશ નહીં. મારા વકીલે આ મામલે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે અને આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવતા પલાશ મુચ્છલ પર ફિલ્મ પ્રોજેક્ટના નામે પૈસા પડાવવાનો આરોપ લાગ્યો છે. વિજ્ઞાન માનેના જણાવ્યા અનુસાર, પલાશ અને તેના પરિવારે સ્મૃતિ મંધાનાની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો અને પછી છેતરપિંડી આચરી હતી.
વિજ્ઞાન માનેની મુલાકાત ડિસેમ્બર 2024માં સ્મૃતિ મંધાના દ્વારા પલાશ સાથે થઈ હતી. પલાશે તેને 'નઝરિયા' નામની ફિલ્મ વિશે જણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે આ ફિલ્મ 6 મહિનામાં પૂર્ણ થઈ જશે. પલાશની વાતોમાં આવીને વિજ્ઞાન માનેએ આ પ્રોજેક્ટમાં આશરે 40 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. પલાશે ખાતરી આપી હતી કે આ રકમ નફા સાથે પરત કરવામાં આવશે.
જ્યારે 6 મહિના પછી પણ ફિલ્મનું કામ શરૂ ન થયું અને વિજ્ઞાન માનેએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે મામલો બિચક્યો હતો. પલાશની માતાએ અચાનક ફિલ્મનું બજેટ 55 લાખથી વધારીને 1.5 કરોડ કરી દીધું હતું.

વિજ્ઞાનનો આરોપ છે કે જ્યારે તેમણે પૈસા માંગ્યા ત્યારે પલાશની માતાએ તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ધમકી આપી બ્લેકમેઈલ કર્યા હતા. પલાશે એવું કહીને સમય પસાર કર્યો હતો કે તે સ્મૃતિ સાથે લગ્ન કર્યા પછી પૈસા પાછા આપી દેશે, પરંતુ લગ્ન કેન્સલ થયા પછી પલાશે વિજ્ઞાનના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
પલાશ તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા અને પૈસા ડૂબી જવાની બીકે વિજ્ઞાન માનેએ આખરે પોલીસનો સંપર્ક કર્યો છે અને છેતરપિંડીની લેખિત ફરિયાદ નોંધાવી છે. વિજ્ઞાનનું કહેવું છે કે પલાશ સ્મૃતિ મંધાનાના ફેમનો દુરુપયોગ કરીને લોકોને પ્રભાવિત કરતો હતો.
વિજ્ઞાન માનેએ માત્ર પલાશ જ નહીં, પરંતુ તેના આખા પરિવાર પર નિશાન સાધ્યુ છે. તેણે પલાશની બહેન અને જાણીતી સિંગર પલક મુચ્છલ દ્વારા ચલાવવામાં આવતી ચેરિટી સંસ્થા સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. વિજ્ઞાનનો દાવો છે કે પલાશ ઘણીવાર તેની પાસે નાની નાની એમાઉન્ટ પણ માંગતો રહેતો હતો.