ન્યુ યોર્ક: ભારત અને યુરોપિયન યુનિયન (EU) આજે એક ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવા જઈ રહ્યા છે, જેને કારણે યુએસની આંખમાં મરચું પડ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ભારત સાથે વેપાર કરાર કરીને યુરોપ પોતાની સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.
ટ્રમ્પના નજીકના ગણાતા સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે યુરોપે રશિયા પાસેથી પેટ્રોલિયમ અને તેની પેદાશો સીધી રીતે ખરીદવાનું તબક્કાવાર રીતે લગભગ બંધ કરી દીધું છે, પરંતુ યુરોપ ભારત પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદીને યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયાને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડી રહ્યું છે, કેમ કે ભારત રશિયા પાસેથી પેટ્રોલીયમ ખરીદી રહ્યું છે.
યુએસ બલિદાન આપી રહ્યું છે!
બેસેન્ટે જણાવ્યું કે યુએસ રશિયાને ઉર્જા વેપારને અસ્થિર કરીને તેના પર દબાણ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે યુરોપ ગ્લોબલ પેટ્રોલિયમ વેપારમાં છટકબારીઓથી આર્થિક રીતે લાભ મેળવવી રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા વાટાઘાટો કરી રહ્યા છે, અને યુએસે યુરોપ કરતાં ઘણા વધુ બલિદાન આપ્યા છે.
બેસન્ટે ભારત પર આરોપ લગાવ્યા:
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ ભારત પર વધુ 25 ટેરીફ લાગુ કર્યો હતો. એ સમયે સ્કોટ બેસેન્ટે ભારત પર રશિયન પેટ્રોલિયમ ફરીથી વેચીને અબજો ડોલર કમાવવાનો આરોપ લગાવ્યો હતો.
હવે બેસેન્ટે કહ્યું,"રશિયન પેટ્રોલિયમ ખરીદવા બદલ અમે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. હવે શું થયું હશે તે વિચારો? યુરોપિયનોએ ભારત સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા."
થોડા દિવસો પહેલા બેસેન્ટે દાવો કર્યો હતો કે ભારતની રિફાઇનરીઓએ રશિયન પેટ્રોલિયમની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર ટેરિફ ઘટાડવાનું વિચારી શકે છે.