મુંબઈઃ મહાડ ચૂંટણી હિંસામાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ મુંબઈ હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાના એક દિવસ પછી, શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેના પુત્ર વિકાસ ગોગાવલેએ આ કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
રાજ્ય સરકારે શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે રાયગઢ જિલ્લામાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી દરમિયાન થયેલી અથડામણના સંદર્ભમાં વિકાસ ગોગાવલે મહાડ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
ગુરુવારે હાઈ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા પૂછ્યું કે શું રાજ્યમાં કાયદાનું શાસન અસ્તિત્વમાં છે, અને શું મુખ્યપ્રધાન એવા કેબિનેટ પ્રધાન સામે કાર્યવાહી કરવા માટે "લાચાર" છે જેમનો પુત્ર અઠવાડિયાથી ધરપકડથી બચી રહ્યો છે.
શુક્રવારે એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ ન્યાયાધીશ માધવ જામદારની સિંગલ બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે વિકાસ ગોગાવલે અને તેમના પિતરાઈ ભાઈ મહેશ ગોગાવલે સહિત કેસના તમામ આરોપીઓએ મહાડ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે નિવેદન સ્વીકાર્યું.
રાયગઢ જિલ્લાના મહાડ ખાતે 2 ડિસેમ્બરના રોજ નાગરિક ચૂંટણી દરમિયાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. શિંદે અને પવાર બંને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી હતી અને ક્રોસ-એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પીટીઆઈ