સુરતઃ ગુજરાત ભાજપના ધારાસભ્યનો ભત્રીજો રૂ. 3.87 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. તાપી પોલીસે શુક્રવારે સુરત જિલ્લાની મહુવા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય મોહન ડોઢિયાના ભત્રીજા યોગેશ કેશવ ડોઢિયાની બુટલેગિંગના ગુનામાં ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન અન્ય બે શખ્સો ભાગી જવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે વાલોડ તાલુકાના ખાંભલા ગામની સીમમાં આવેલી ઝાડી-ઝાંખરાવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. ત્યાં ત્રણ શખ્સો બે કારમાંથી મોટરસાઇકલ પર દારૂની બોટલો હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી 48 વર્ષીય યોગેશ ડોઢિયાને ઝડપી પાડ્યો હતો, પરંતુ અન્ય બે શખ્સો પોલીસની બીજી ટીમ તેમનો પીછો કરે તે પહેલાં જ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી બે કાર પણ જપ્ત કરી હતી.. યોગેશ ડોઢિયા વાલોડ તાલુકાના અંધાત્રી ગામનો રહેવાસી છે અને તે ધારાસભ્ય મોહન ડોઢિયાના ભાઈનો પુત્ર છે.
લીસે નાસી છૂટેલા અન્ય બે શંકાસ્પદ શખ્સોની ઓળખ સુરતના મહુવા તાલુકાના રહેવાસી કાર્તિક પટેલ અને વલસાડના ધરમપુરના ભરત પટેલ તરીકે કરી હતી. અંધાત્રી ગામના સૂત્રોએ જણાવ્યું કે, મોહનભાઈ ડોઢિયાને ચાર ભાઈઓ છે, જેમાંના એક કેશવભાઈ છે - જે યોગેશના પિતા છે. અન્ય ભાઈઓ દિનુભાઈ, ચંદ્રભાઈ અને ચંપકભાઈ છે. અમારા ગામમાં તેમના ઘર એકબીજાની નજીક જ છે.
વાલોડ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. ગિલાતરે જણાવ્યું હતું કે, યોગેશ ડોઢિયા વિસ્તારનો જાણીતો બુટલેગર છે અને તેની સામે અગાઉ 10 થી વધુ કેસો નોંધાયેલા છે. ફરાર વ્યક્તિઓને પકડવા માટે અમે ટીમો મોકલી છે.