Tue Jan 27 2026

Logo

White Logo

અનાર પટેલને ખોડલધામના અધ્યક્ષ બનાવાતા ગુજરાતના રાજકારણમાં કેમ 'હિલચાલ'?

6 days ago
Author: Mayurbhai
Video

રાજકોટઃ રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન અને હાલ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામના અધ્યક્ષ બનાવવાની આજે નરેશ પટેલે જાહેરાત કરી હતી, ત્યાર બાદ રાજકોટ-સૌરાષ્ટ્રમાં હિલચાલ શરૂ થઈ છે. ખોડલધામ અત્યાર સુધી સૌરાષ્ટ્ર સેન્ટ્રિક બનીને રહી ગયું હતું. ખોડલધામનું સંગઠન સૌરાષ્ટ્રમાં મજબૂત છે, પણ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં વધારે મજબૂત બનાવવા માટે ચોક્કસ ચહેરાની જરૂર હતી. આના માટે અનાર પટેલ ઉચિત નામ હતું. અનાર પટેલનું સામાજિક રીતે જાણીતું નામ છે, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીએ ટ્રમ્પ કાર્ડ ઓપન કર્યું છે.

પટેલોની સંસ્થાઓ પાવરફુલ છે
સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલે સંબોધનમાં કહ્યું કે, પટેલો પાસે બધું જ છે, અસલી તાકાત એકતામાં છે. નરેશ પટેલની ટીકા નહીં પણ તેને સાથ આપો. આ નિવેદન આપીને તેણે એક કાંકરે અનેક પક્ષી માર્યા હોવાનું કહેવાય છે. ગુજરાતની રાજનીતિમાં પટેલોનું પ્રભુત્વ છે તે પૈકી ખોડલધામ, સરદારધામ, ઉમિયાધામ મુખ્ય સંસ્થાઓ છે. ખોડલધામ મંદિરની નવમી તિથિના અવસર પર કાગવડમાં ખોડલધામ એસોસિએશનની કાઉન્સિલર્સ મીટ 2026નું આયોજન કર્યું હતું, જેમાં અનાર પટેલની ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિમણૂકની ખૂદ નરેશ પટેલે જાહેરાત કરી હતી. 

ભરોસો નહીં તૂટવા દઉંઃ અનાર પટેલ
અનાર પટેલે કહ્યું હતું કે નરેશ પટેલે મારા પર જે ભરોસો મૂક્યો છે તેને તૂટવા નહીં દઉં.  તેણે પ્રથમ સંબોધનમાં જ એકતા અને વૃદ્ધ માતા-પિતાની સંભાળ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અનાર પટેલે કહ્યું કે, મતમાં ભિન્નતા હોઈ શકે છે, ચર્ચા અને વાદ-વિવાદ હોઈ શકે છે, પણ મનભેદ ક્યારેય ન હોવો જોઈએ. આંતિરક કલહ સમાજને નબળો પાડે છે.

લેઉવા પાટીદાર અને અનાર પટેલને બંનેને ફાયદો
ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી અંગે સૂત્રોએ જણાવ્યું કે આનાથી રાજકીય ગરમાવો પણ આવશે. એક પ્રકારે તેને રાજકારણમાં એન્ટ્રી પણ ગણી શકાય. લેઉવા પાટીદાર અને અનાર પટેલેને બંનેને ફાયદો થશે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ અનાર પટેલની એન્ટ્રી થઈ શકે છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, નરેશ પટેલ અને આનંદીબેનને વર્ષોથી પારિવારિક સંબંધો રહ્યા છે. ખોડલધામ એવું પ્લેટફોર્મ છે જેમાં સમાજનો પણ ટેકો મળે અને રાજકારણમાં પણ સીધી એન્ટ્રી લઈ શકાય છે. ભૂતકાળમાં આ ચિત્ર સામે આવ્યું છે. અનાર પટેલને ખોડલધામના અધ્યક્ષ બનાવીને આગામી દિવસોમાં એક મોટો પાટીદાર ચહેરો તૈયાર કરવાની પણ રણનીતિ હોઈ શકે છે. નરેશ પટેલની જાહેરાત પછી ગુજરાતના રાજકારણમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં મુંબઈ સમાચારે પણ આ મુદ્દે ચર્ચા કરી ત્યારે નિષ્ણાતોએ શું કહ્યું હતું એ પણ જાણી લો.