અમદાવાદ: હાંસોલ ગામ નજીક વિકાસ પરિયોજનાના બીજા તબક્કા માટે મોટા પાયે થઈ રહેલા વૃક્ષોની કાપણી મામલે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. વિકાસ કાર્યો માટે વૃક્ષો કાપવા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દેતા કોર્ટે આ પ્રક્રિયાને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના અવલોકનમાં જણાવ્યું હતું કે વિકાસ અને પર્યાવરણ બંનેએ સાથે ચાલવું પડશે. કોર્ટે એમ પણ ઉમેર્યું કે કાપવામાં આવેલા વૃક્ષો જંગલી પ્રકારના હતા, જેમને ફરીથી ઉગાડવા માટે ખૂબ મોટા પ્રયાસોની જરૂર નહીં પડે.
આ અરજી હાંસોલ ગામના એક સ્થાનિક રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે આ પ્રોજેક્ટ માટે લગભગ 4,000 જેટલા જૂના અને પરિપક્વ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આ આખું જંગલ 50-60 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવ્યું હતું અને સત્તાવાળાઓએ વૃક્ષો કાપવા સિવાયનો કોઈ અન્ય વિકલ્પ શોધવાનો પ્રયાસ પણ કર્યો નથી. અરજદારે ચિંતા વ્યક્ત કરી હતી કે 50-60 વર્ષ જૂના વૃક્ષોનું સ્થાન નવું વાવેતર તાત્કાલિક લઈ શકે નહીં અને નિયમોનું પાલન કર્યા વિના આટલા મોટા પાયે કપાત કરવી અયોગ્ય છે.
જોકે, મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલાની ગંભીરતા અને વિકાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વચગાળાની રોક લગાવવાની ના પાડી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિયોજનાના અમલીકરણ માટે આ પગલું જરૂરી છે. આ નિર્ણય બાદ હવે હાંસોલ વિસ્તારમાં વિકાસ પરિયોજનાનો બીજો તબક્કો અવરોધ વિના આગળ વધી શકશે, પરંતુ પર્યાવરણ પ્રેમીઓમાં આ ચુકાદાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.