Tue Jan 27 2026

Logo

White Logo

રાજકોટના અટલ સરોવરે લોકોમાં આકર્ષણ જમાવ્યું, 14 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

4 days ago
Author: Chandrakant Kanojia
Video

રાજકોટ : ગુજરાતમાં રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે અટલ સરોવરનું માર્ચ 2024માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને જાહેર જનતા માટે 
1 મે 2024ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.  જે અટલ સરોવર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ આજ દિન સુધીમાં 14 લાખથી વધુ લોકોએ તેની  મુલાકાત લઈ લીધી છે. અટલ સરોવરને  આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં એક મુખ્ય આકર્ષણ

અટલ સરોવર ખાતે આવતા મુલાકાતીઓ માટે બગીચો, ખાસ કરીને બાળ ઉદ્યાન, ફેરિસ વ્હીલ, બોટિંગ સુવિધા અને ટૉય ટ્રેન જેવા આકર્ષણો છે. નાગરિકો માટે ચાલવાનો ટ્રેક, સાઇકલ ટ્રેક અને 600 ફોર-વ્હીલર અને 1000 ટૂ-વ્હીલર માટે સોલર પેનલ યુક્ત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, બે એમ્ફીથિયેટર, પ્રવેશ પ્લાઝા, પાર્ટી પ્લોટ, 16 દુકાનો ધરાવતું ઓપન ફૂડ કોર્ટ, 12 દુકાનો સાથેનું ક્લોઝ્ડ ફૂડ કોર્ટ અને RMC-માલિકીના ગ્રામહાટ અંતર્ગત 42 દુકાનો વિકસાવવામાં આવી છે, જે રેવન્યુ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, એક વિશાળ ધ્વજસ્તંભ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને અન્ય સુવિધાઓ અટલ સરોવરને રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં એક મુખ્ય આકર્ષણ બનાવશે.

930 એકરના ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ત્રણ તળાવો નિર્મિત કરાયા 

રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 930 એકરના ગ્રીનફિલ્ડ વિસ્તારમાં ત્રણ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ વરસાદી પાણીના સંગ્રહ માટે સ્ટોર્મવૉટર નેટવર્ક દ્વારા જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તેમાંથી અટલ સરોવર (લેક-1)ને 75 એકર વિસ્તારમાં  " રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ" ના 3R સિદ્ધાંતો પર વિકસિત કરવામાં આવ્યું છે. અટલ સરોવર અંતર્ગત 25 એકરમાં 477 મિલિયન લિટર પાણી સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જ્યારે બાકીના 50 એકરમાં લૅન્ડસ્કેપ , મનોરંજન અને જાહેર સુવિધાઓ છે.

પ્રોજેક્ટના વિકાસમાં 3R સિદ્ધાંતોનો અમલ કરવામાં આવ્યો

આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ  રૂપિયા 136 કરોડ છે. જેમાં 15 વર્ષ સુધી સંચાલન અને જાળવણીનો સમાવેશ થાય છે. ચોમાસાની સીઝનમાં સરોવરમાં વરસાદી પાણીનો કુદરતી રીતે સંગ્રહ થાય છે, જ્યારે ઉનાળા દરમિયાન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ TTP માંથી રિસાઇકલ પાણી પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અટલ સરોવર થકી પહેલી વખત કોઈ પ્રોજેક્ટના વિકાસમાં 3R સિદ્ધાંતોનો અમલ કરવામાં આવ્યો છે.