ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં કલા જગતના અનેક દિગ્ગજોના નામ સામેલ છે, પરંતુ બોલીવૂડના 'હિ-મેન' તરીકે જાણીતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મશ્રી એનાયત કરવાની જાહેરાતે ચાહકોમાં આનંદની સાથે શોકનું મોજું પણ પ્રસરાવ્યું છે.
પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ જાહેર થયેલા પદ્મશ્રી પુરસ્કારોમાં મનોરંજન જગતની ત્રણ મોટી હસ્તીઓ કેન્દ્રસ્થાને રહી છે. જ્યાં એક તરફ ધર્મેન્દ્ર અને સતીષ શાહને તેમના મૃત્યુ બાદ સન્માનિત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ અભિનેતા આર. માધવનને પણ તેમની દાયકાઓની મહેનતનું ફળ મળ્યું છે.
આ એવોર્ડ ત્યારે કેમ નહીં આપવામાં આવ્યાઃ સુમિત રાઘવન
પોતાની અનોખી કોમેડી અને અભિનયથી દાયકાઓ સુધી દર્શકોને હસાવનાર દિગ્ગજ કલાકાર સતીષ શાહને પણ મરણોપરાંત પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. ટીવી સિરિયલ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' અને અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવનાર સતીષ શાહનું યોગદાન ભારતીય સિનેમામાં અજોડ રહ્યું છે. તેમના પરિવારે આ સન્માન સ્વીકારતા સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સતીષજી હંમેશા કલા પ્રત્યે સમર્પિત રહ્યા હતા.
સતીષ શાહના ઓનલાઈન દીકરા એટલે કે એક્ટર સુમિત રાઘવને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ ખૂબ જ ગર્વની વાત છે, પણ મનમાં એક સવાલ આવે છે કે આ એવોર્ડ ત્યારે કેમ નથી આપવામાં આવતા જ્યારે કલાકાર આપણી વચ્ચે હાજર હોય છે. જો સતીષ કાકા પોતે જાતે આ સન્માન લેવા જાત તો તેમની ખુશી બમણી થઈ ગઈ હોત. અત્રે ઉલ્લેખનીય છે કે સુમિત રાઘવન અને સતીષ શાહે સારાભાઈ વર્સીસ સારાભાઈ ટીવી સિરીયલમાં પિતા-પુત્રનો રોલ કર્યો હતો.
આ સન્માન જવાબદારી એક છેઃ આર માધવન
તાજેતરમાં જ 'રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ' જેવી માસ્ટરપીસ ફિલ્મો આપનાર અભિનેતા અને દિગ્દેશક આર. માધવનને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. માધવને આ પુરસ્કાર મળવા બદલ ખૂબ જ નમ્રતાપૂર્વક પ્રતિક્રિયા આપી હતી.
માધવને આ પુરસ્કાર જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ સન્માન મારા માટે અત્યંત ગર્વની વાત છે. હું આ એવોર્ડ મારા માતા-પિતા અને એ તમામ લોકોને સમર્પિત કરું છું જેમણે મારી સફરમાં સાથ આપ્યો છે. આ પુરસ્કાર મને ભવિષ્યમાં હજુ પણ વધુ અર્થપૂર્ણ સિનેમા બનાવવા માટે પ્રેરણા આપશે.
આ સન્માન એક ગૌરવની ક્ષણ છેઃ હેમા માલિની
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને હી-મેનના હુલામણા નામથી ઓળખાતા ધર્મેન્દ્રનું થોડાક સમય પહેલાં જ નિધન થયું હતું, તેમને કલા ક્ષેત્રે તેમના અતુલ્ય યોગદાન બદલ મરણોપરાંત પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ તેમના પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ હેમા માલિની ભાવુક થઈ ગયા હતા.
હેમાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, આ સન્માન તેમના માટે ગૌરવની ક્ષણ છે. જોકે, દિલમાં એક ખૂણે દુઃખ છે કે આ પુરસ્કાર જોવા માટે તેઓ આજે આપણી વચ્ચે નથી. તેઓ હંમેશા કહેતા કે પ્રેક્ષકોનો પ્રેમ જ તેમનો સૌથી મોટો એવોર્ડ છે, પણ ભારત સરકારનું આ સન્માન તેમની વિરાસતને અમર બનાવશે.