Tue Jan 27 2026

Logo

White Logo

ડૉલર સામે રૂપિયામાં ઐતિહાસિક નીચી સપાટીએથી બાવીસ પૈસાનું બાઉન્સબૅક

4 hours ago
Author: Ramesh Gohil
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ભારત-યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચેનાં મુક્ત વેપાર કરારને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં ઐતિહાસિક 91.90ની નીચી સપાટીએથી બાવીસ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને સત્રના અંતે રૂપિયો 91.68ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 91.90ના બંધ સામે સાધારણ સુધારા સાથે 91.82ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.90 અને ઉપરમાં 91.64 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે બાવીસ પૈસાના સુધારા સાથે 91.68ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે બજાર પ્રજાસત્તાક દિન નિમિત્તે બંધ રહી હતી. 

તાજેતરમાં ભારત-ઈયુ વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર અને ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ધ્યાનમાં રૂપિયામાં સકારાત્મક વલણ લેતા જોવા મળે તેવી શક્યતા છે. જોકે, હાલના ભૂરાજકીય તણાવને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી રૂપિયામાં સુધારો મર્યાદિત રાખી શકે ેછે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. તાજેતરમાં અમેરિકાએ કેનેડાથી થતી આયાત સામે 100 ટકા ટૅરિફ અને દક્ષિણ કોરિયાથી થતી આયાત સામેની ટૅરિફ જે 15 ટકા હતી તે વધારીને 25 ટકા ટૅરિફ લાદવાની ધમકી આપી છે. 

દરમિયાન આજે ભારત-ઈયુ વચ્ચેના મુક્ત વેપાર કરારની વાટાઘાટોનો અંત આવ્યો હતો. જેમાં એપરલ, કેમિકલ્સ અને ફૂટવૅરની યુરોપિયન યુનિયન ક્ષેત્રની નિકાસને શૂન્ય ટકા ડ્યૂટી હેઠળ રાખવામાં આવ્યું હોવાથી આ ક્ષેત્રને લાભ થશે, જ્યારે યુરોપિયન યુનિયનને ભારતીય કાર અને વાઈનની બજારમાં રાહતની ડ્યૂટીથી પ્રવેશ મળશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.02 ટકા ઘટીને 97.01 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 319.78 પૉઈન્ટનો અને 126.75 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. જોકે, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4113.38 કરોડની ચોખ્ખી વેચવાલી અને આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.02 ટકા વધીને બેરલદીઠ 65.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.