નવી દિલ્હી: પોતાના ધારદાર ગીતો અને રાજકીય કટાક્ષ માટે જાણીતા લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ ફરી કાયદાકીય સકંજામાં ફસાયા છે. ઉત્તર પ્રદેશની વારાણસી પોલીસે વર્ષ 2025માં નોંધાયેલા એક જૂના કેસના સંદર્ભમાં નેહાને નોટિસ પાઠવી છે. આ મામલો દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરાયેલી કથિત વાંધાજનક ટિપ્પણી સાથે જોડાયેલો છે, જેના કારણે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ તેજ થઈ છે.
વારાણસીના લંકા પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નોટિસ કોઈ નવી કાર્યવાહી નથી પરંતુ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. 2025માં નેહા સિંહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાથી બુધવારે કાયદેસરની નોટિસ મોકલી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ માત્ર નિયમોનુસાર તપાસને આગળ ધપાવી રહ્યા છે.
પોલીસની આ કાર્યવાહી સામે નેહા સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો કે લખનઉ પોલીસ બાદ હવે વારાણસી પોલીસ પણ તેમના ઘરે પહોંચી રહી છે. નેહાએ નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, "મને હેરાન કરવા માટે જેટલી મહેનત અને ઝડપ બતાવવામાં આવે છે. કાશ, એટલી જ ઝડપ દીકરીઓને ન્યાય અપાવવામાં બતાવી હોત. તેની આ પોસ્ટ હાલ ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહી છે.
નેહા સિંહ રાઠોડ માત્ર વારાણસી જ નહીં, પરંતુ લખનઉમાં પણ એક કેસનો સામનો કરી રહ્યા છે. આ કેસ પહેલગામ આતંકી હુમલાને લગતી તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલો છે. જોકે, આ મામલે રાહતની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરીએ નેહાને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. હાલમાં આ બંને કેસોમાં કાયદાકીય પ્રક્રિયાઓ અલગ-અલગ સ્તરે ચાલી રહી છે, જે આગામી સમયમાં નેહાની મુશ્કેલીઓ વધારી શકે છે.